કલોલના વડસર ગામ નજીક હીટ એન્ડ રન, બાઈકસવાર બે યુવાનોના મોત
ગાંધીનગરઃ રાજ્યમાં હિટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. કલોલ પાસેના વડસર ગામે બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાનનોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કલોલ પાસેના વડસર ગામે રહેતા દશરથભાઈ રમેશભાઈ મકવાણા તથા તેના મામાનો દીકરો કરણ રમેશભાઈ મકવાણા બંને યુવકો બાઇક લઇને રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટાટા હાઉસિંગ નજીક સામેથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંન્ને યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા અકસ્માત બાદ વાહન ચાલક તેનું વાહન લઇને ફરાર થઇ ગયો હતો બનાવ અંગે સાંતેજ પોલીસે વિજય રમેશભાઈ મકવાણા ની ફરિયાદ લઈને ફરાર થઈ ગયેલા વાહન ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી વડસર ગામમાં ઘેરા શોકની લાગણી તેમજ અરેરાટી છવાઈ જવા પામી હતી. પોલીસે હાઈવે પરના ટોલનાકા પરથી સીસી ટીવીના કૂટેજ મેળવી રહી છે. અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ-મહેસાણા હાઈવે પર પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાઈવે પર જ્યા ટ્રાફિક વધુ રહેતો હોય ત્યાં ગતિ મર્યાદા નક્કી કરવાની પણ માગ ઊઠી છે.