રાજકોટમાં નવા રિંગરોડ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે સ્કૂટરચાલક યુવાનનું મોત
રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં રિંગ રોડ પર બેફામ અને પૂરફાટ ઝડપે દોડતા વાહનો અકસ્માત સર્જીને પલાયન પણ થઈ જતા હોય છે. આવો એક બનાવ શહેરના નવા રિંગ રોડ પર અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવાચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. આ હીટ એન્ડ રનના બનાવમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં નવા રિંગ રોડ પર વગડ ચોકડી પાસે પૂર ઝડપે અજાણ્યા વાહને એક્ટિવાને અકડેટે લેતા ઘવાયેલા એક્ટિવાચાલકનું મોત નિપજ્યું હતુ. બનાવને પગલે તાલુકા પોલીસે અકસ્માત બાદ નાસી ગયેલા વાહનચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુનિવર્સિટી રોડ પર વિમાનગર પાસેના ક્રાંતિવીર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મેહુલભાઇ કાન્તીભાઇ કાચા (ઉ.વ 42) રાત્રીના સમયે એક્ટિવા લઇને ઘેર આવતા હતા ત્યારે નવા રિંગ રોડ પર વગડ ચોકડી પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તાલુકા પોલીસ મથકના જમાદાર ભગીરથસિંહ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મૃતક બે ભાઇમાં મોટા હોવાનું અને નાનો ભાઇ USA રહેતા હોવાનું પરિવારે જણાવ્યું હતું અને મૃતકને સંતાનમાં એક પુત્રી હોવાનું અને સીસીટીવી સોફ્ટવેરનું કામ કરતા હોય અને કામ કરી ઘેર આવતા આ બનાવ બન્યાનું પરિવારે જણાવતા પોલીસે અકસ્માત બાદ નાસી જનારા વાહનના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.