વલસાડઃ જિલ્લામાં ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે ત્રણ બાઈક સવાર યુવકોને કચડી નાખતાં ત્રણેયનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે પારડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં મૃતકો ધરમપુરના મોટી કોસમાડી ગામના હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક પલ્સર બાઈક પર સવાર ત્રણ યુવકોને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેને પગલે યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાયા હતા. જેના પગલે ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય યુવકનાં ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યાં હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પારડીના પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.અને યુવકોના મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરવા સહિત ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે હાઈવે ટોલ નાકા પરના સીસીટીવી કુટેજ મેળવીને અજાણ્યા વાહનચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.