અમદાવાદઃ કાળઝાળ ગરમીને પગલે હિટ સ્ટ્રોકના કેસ વધ્યાં, સોલા સિવિલમાં 5 દિવસમાં 45 કેસ નોંધાયાં
અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીના કારણે હિટ સ્ટ્રોકના બનાવોમાં નોંધયાત્ર વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસમાં હિટ સ્ટ્રોકના 45 બનાવો વધ્યાં છે. કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. શહેરમાં ગરમીને કારણે ઝાળા-ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે.
અમદાવાદ શહેરમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, આકાશમાં વરસતી અગ્નિ વર્ષાને ધ્યાનમાં રાખીને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ કરવામાં આવ્યાં છે, આ ઉપરાંત મનપા અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ હિટ સ્ટોકના કેસ પણ સામે આવી રહ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસમાં હિટ સ્ટ્રોકના 45 દર્દીઓએ સારવાર લીધી હોવાનું જણાવા મળે છે. આ ઉપરાંત ઝાડા, ઉલટીના કેસમાં પણ વધારો થયો છે.
દરમિયાન હાલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના 473 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું હોસ્પિટલ તંત્ર દ્વારા જાહેર કરાયુ છે. આ ઉપરાંત પીડિયાટ્રિક વિભાગમાં 39 બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. સોલા સિવિલમાં રોગચાળાને લઈ રોજની 1000 થી 1500 ઓપીડી થઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ ઉનાળો વધારે આકરો બન્યો છે અને બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે જેથી મોટા ભાગના લોકો બપોરના સમયે ઘર કે નોકરી-ધંધાના સ્થળોથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.