ગુજરાતની ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેક મામલાના ફરાર આરોપી હિતેશ પટેલને અલ્બાનિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સ્ટર્લિંગ બાયોટેક મામલામાં તપાસ એજન્સીઓને લાંબા સમયથી હિતેશ પટેલની તલાશ હતી. ઈડીના સૂત્રો મુજબ, હિતેશ પટેલ સંદર્ભે 11 માર્ચે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. તે 20મી માર્ચે અલ્બાનિયામાં રાષ્ટ્રીય અપરાધ બ્યૂરો તિરાના દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
સ્ટર્લિંગ બાયોટેક મામલાના આરોપી હિતેશ પટેલની ભારતીય તપાસ એજન્સીઓ લાંબા સમયથી તલાશ કરી રહી હતી. ઈડી દ્વારા વિશેષ પીએમએલએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઈડી સૂત્રો પ્રમાણે, હિતેશ પટેલને ઝડપથી ભારતમાં પ્રત્યાર્પિત કરવામાં સફળતા મળે તેવી આશા છે. મહત્વપૂર્ણ છે કે હિતેશ પટેલ પર 8100 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગનો આરોપ છે.
8100 કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી મામલામાં ફોજદારી તપાસથી બચવા માટે સ્ટર્લિંગ ગ્રુપના તમામ ચાર પ્રમોટરો દેશમાંથી ફરાર થઈ ગયા હતા. આ આરોપીઓમાં હિતેશ પટેલ સિવાય નીતિન સંદેસરા, ચેતન સંદેસરા, દીપ્તિ સંદેસરા, રાજભૂષણ દિક્ષિત, ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ હેમંત હાથી અને વચેટિયા ગગન ધવનનો સમાવેશ થાય છે. સ્ટર્લિંગ ગ્રુપની કંપનીઓમાં સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ, પીએમટી મશીન્સ લિમિટેડ, સ્ટર્લિંગ સેઝ એન્ડ ઈન્ફ્રા લિમિટેડ, સ્ટર્લિંગ પોર્ટ લિમિટેડ, સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સ લિમિટેડ અને 170થી વધારે શેલ કંપનીઓનો સમાવેશ થાય છે.
ભારતીય તપાસ એજન્સીઓના દબાણ બાદ બ્રિટનની પોલીસે બુધવારે પીએનબી સ્કેમના આરોપી નીરવ મોદીની ધરપકડ કરી હતી. બાદમાં નીરવ મોદીને વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટના જિલ્લા ન્યાયાધીશ મેરી માલ્લોનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે જામીન આપવાનો ઈન્કાર કરતા 29 માર્ચ સુધી તેને કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટના આ નિર્ણય બાદ તેને દક્ષિણ-પશ્ચિમ લંડનની વાંડસ્વર્થ જેલમાં રાખવામાં આવ્યો છે.