- હિઝબુલ મુજાહિદ્દીનનો જીલ્લા કમાન્ડર ઠાર
- ગઈકાલે થયેલી અથડામણમાં માર્યો ગયો
- પોલીસે આ મામલે આપી જાણકારી
શ્રીનગરઃ- જમ્મુ – કાશ્મીરના કુલગામ જિલ્લામાંવિતેલા દિવસને શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો નવનિયુક્ત જિલ્લા કમાન્ડર ઠાર મરાયો હતો.
આ સમગ્ર આ બાબતે પોલીસે માહિતી આપી હતી. એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અશમુજી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની બાતમી પર કાર્યવાહી કરતા, સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. “ઓપરેશન દરમિયાન, આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવી હતી, તેના બદલે સામેથી તેઓએ અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું.
નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરીને, સંયુક્ત ટીમોએ તેમને બચાવ્યા અને તેમને સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા. ગોળીબાર બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું હતું.”
આ બાબતે પોલીસે કહ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના નવા નિયુક્ત જિલ્લા કમાન્ડર મુદાસિર વાજ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. તે કુલગામના માલવાનનો રહેવાસી હતો અને તેનો મૃતદેહ એન્કાઉન્ટર સ્થળ પરથી મળી આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 નવેમ્બરે કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. જેમાં માર્યા ગયેલા બંને આતંકીઓની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના જિલ્લા કમાન્ડર સિરાજ મોલવી અને યાવર ભટ તરીકે થઈ હતી.