Site icon Revoi.in

કોરોનાને પગલે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે, સરકારની માર્ગદર્શિકા જાહેર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોળી-ધુળેટીના તહેવારની ઉજવણીને લઈને કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. હોળીની ધાર્મિક પરંપરાગત અનુસાર સરકારની ગાઈડલાઈન અનુસાર ઉજવણી કરી શકાશે. જો કે, ધૂળેટીના દિવસે જાહેરમાં કે સામુહિક રીતે રંગોત્સવની ઉજવણી કરા શકાશે નહીં. સરકાર દ્વારા હોળીની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા હોળી-ધૂળેટીના તહેવારને લઈને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, આ તહેવારોમાં માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા છે. આથી, રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે અને હોળીની પ્રદક્ષિણાની સાથો સાથ ધાર્મિક વિધિ પણ કરી શકાશે. કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોને તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી-સામૂહિક કાર્યક્રમ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાને પગલે રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ન ફેલાત તે માટે અમદાવાદમાં ઈસ્કોન અને સોલા ભાગવત સહિતના મંદિરોમાં રંગોત્સવની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. શ્રદ્ધાળુઓ સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિરમાં ભગવાનના દર્શન કરી શકશે.