Site icon Revoi.in

15મી ઓગસ્ટથી રજાનો માહોલ, શુક્રવારની એક રજા લેવાથી 5 દિવસનું મીની વેકેશન મળશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે 15મી ઓગસ્ટથી 5 દિવસના મીની વેકેશનનો માહોલ સર્જાશે. 15મી ઓગસ્ટે સ્વાતંત્ર દિનની જાહેર રજા રહેશે. અને શનિવાર તા.17મીએ ચોથો શનિવાર હોવાથી રજા રહેશે. ત્યારબાદ રવિવારની જાહેર રજા અને 19મીને સોમવારે રક્ષાબંધનની રજા રહેશે. એટલે જો શુક્રવારની એક રજા લેવાથી પાંચ દિવસનું મીની વેકેશન મળી રહેશે.

15 ઓગસ્ટથી પાંચ દિવસના મિની વેકેશનને પગલે મોટી સંખ્યામાં કર્મચારીઓએ પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. ગોવા, જેસલમેર, કુંભલગઢ, ઉદયપુર, ઉપરાંત રાજ્યમાં દ્વારકા, સોમનાથ લોકો માટે પહેલી પસંદ છે. જેને કારણે ફ્લાઈટ અને ટ્રેનોમાં બુકિંગમાં વધારો થયો છે. શુક્રવારની એક દિવસની રજા રાખે તો શનિવાર અને રવિવારના વીકએન્ડની સાથે સોમવારે રક્ષાબંધનની રજા મળશે.

શ્રાવણ મહિનામાં મહાદેવજીના દર્શનનું મહાત્મ્ય હોવાથી ઘણાબધા કર્મચારીઓએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલા જ્યોતિર્લિંગના દર્શનનો લોકોએ પ્લાન બનાવ્યો છે. મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે નજીકના ઈન્ટરનેશનલ સ્થળોએ જવા માટે બુકિંગ કરાવી રહ્યા છે. ટૂર ઓપરેટરોના કહેવા મુજબ ચોમાસાને પગલે ગોવાની ઈન્કવાયરી પણ વધી છે, રાજસ્થાનમાં કુંભલગઢ, ઉદયપુર, નાથદ્વારા તેમજ જેસલમેર ફેવિરટ છે. જ્યારે રાજ્યમાં સોમનાથ, દ્વારકા અને નાગેશ્વર તીર્થના દર્શન માટે પણ બુકિંગ મળ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ ઈન્કવાયરી આવી રહી છે.

અમદાવાદ શહેરના એક ટુર ઓપરેટરે જણાવ્યું હતું કે, ડોમેસ્ટિકની સાથે સાથે નજીકના અને રિટર્ન ટિકિટ સાથે 70 હજારથી 1 લાખ સુધીના બજેટમાં આવતા ઈન્ટરનેશનલ સ્થળોમાં દુબઈ, વિયેતનામ, બાલી, પતાયા, બેંગકોક, સિંગાપોર અને મલેશિયાની ડિમાંડ વધુ છે. એજ રીતે રાજ્યમાં ટ્રેકિંગ અને પર્યાવરણ પ્રેમીઓમાં ડાંગ અને સાપુતારાની પણ બુકિંગ ઈન્કવાયરી વધી છે. જોકે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે ગોવા, જયપુર, દ્વારકા, સોમનાથ માટે બુકિંગ કરાવી રહ્યા હોવાથી આ સમય દરમિયાન ટ્રેનો ફૂલ થવાની સાથે વેઈટિંગ ટિકિટ મળી રહી છે. (File photo)