અમદાવાદઃ રાજયના યુવાઓને સરકારી સેવાઓ પુરી પાડવા રાજય સરકારે મકકમ નિર્ધાર કરીને સંપૂર્ણ પારદર્શી પધ્ધતિથી ભરતી પ્રક્રિયાઓ યોજવામા આવી રહી છે. રાજય સરકારે ભરતી માટે વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને અનેક યુવાનોને સરકારી સેવાઓ પૂરી પાડી છે. તેમ રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.
ગૃહ મંત્રીશ્રી સંઘવીએ ગાધીનગર ખાતેથી પોલીસ ભરતી સંદર્ભે ઉમેદવારોને માર્ગદર્શન મળી રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરેલ વિડીયો સિરીઝનુ વિમોચન કરતા કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ હસ્તક પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા માટે નવતર અભિગમ દાખવીને ટેકનોલોજીના માધ્યમથી આ પ્રયાસ કરાયો છે જે ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે
રાજય સરકાર પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે યોજવા કટીબધ્ધ છે અને આ સંદર્ભે ઉમેદવારોને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાત પોલીસ દ્વારા આ વીડિયો સીરીઝ તૈયાર કરવામાં આવી છે. જેમાં ઉમેદવારો કોઇપણ અફવા અને લે-ભાગુ તત્વોના ચુંગાલમાં ના ફસાય અને પોતાના ધ્યેય પર મક્કમ રહે તેના માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ છેલ્લી એલ.આર.ડી. અને પી.એસ.આઇ. પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોના મંતવ્ય, ઉચ્ચ પોલીસ અધિકારીઓના મંતવ્ય, પોલીસ દ્વારા ચલાવાતી વિવિધ પરીક્ષા માર્ગદર્શન કેન્દ્રો અને વિવિધ ઉમેદવારોના મંતવ્ય લેવાયા છે.
તેમણે ઉમેર્યુ કે, ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? કઇ બાબતો ધ્યાનમાં રાખવી? શું કરવું? શું ના કરવું? ખાન-પાન અને પરીક્ષા સમયે માનસિક અને શારીરિક રીતે કેવી રીતે ફીટ રહેવું? તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ સીરીઝમાં પુરૂ પાડવામા આવ્યુ છે. આ માર્ગદર્શન સિરીઝ નાગરિકો માટે વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. જેનો લાભ ઉમેદવારોને થશે. અને આ વિડીયો સિરીઝ ઉમેદવારોનું મનોબળ વધારવામાં મદદરૂપ થશે.
રાજયના ડી.જી.પી. આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા પોલીસ ભરતીની પ્રક્રિયા સંપુર્ણ પારદર્શી રીતે યોજાઇ રહી છે અને આગામી સમયમાં પણ નવી ભરતીઓ હાથ ધરાશે. રાજયમાં વર્ષ ૨૦૧૦થી આજદીન સુધી તબક્કાવાર વિવિધ સંવર્ગની ભરતીઓ હાથ ધરાઇ છે. પરીક્ષા પધ્ધતીમાં પણ સમયાનુસાર બદલાવ કરીને ટેકનોલોજીના માધ્યમ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે.