ત્રિપુરામાં ભાજપની ‘જન વિશ્વાસ યાત્રા’ને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી – 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા
- ભાજપની રથયાત્રાને ગૃહમંત્રી અમિત શાહે દેખાડી લીલી ઝંડી
- 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે આ યાત્રા
આજરોજ ગુરુવારે ત્રિપુરાના ધર્મનગરમાં ભાજપની રથયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે આ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી દેખાડીને આરંભ કરાવ્યો છે. આ દરમિયાન તેમણે વિશાળ જનસભાને પણ સંબોધી હતી.
ત્રિપુરામાં આ વર્ષે માર્ચમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. રથયાત્રા 8 દિવસ બાદ 12 જાન્યુઆરીએ સમાપ્ત થવાની છે.ઉલ્લેખનીય છે કે આ યાત્રાને ભાજપે ‘જન વિશ્વાસ યાત્રા’ નામ આપ્યું છે, ભાજપની આ રથયાત્રા 12 જાન્યુઆરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં સમાપ્ત થશે.
વધુ વિગત પ્રમાણે આ યાત્રાનો આરંભલ કરાવતા વખતે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ત્રિપુરામાં ભાજપની આગેવાનીવાળી સરકારે આતંકવાદને નાબૂદ કર્યો છે અને પૂર્વોત્તર રાજ્યમાં સર્વાંગી વિકાસ કરવામાં આગળ રહ્યું છે. અહીં એક જાહેર સભાને સંબોધતા શાહે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોનો અપાર પ્રેમ અને વિશ્વાસ એ સ્પષ્ટ સંકેત છે કે ત્રિપુરામાં ભાજપ ફરીથી સરકાર બનાવશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા સાથે શાંતિ વાટાઘાટો દ્વારા આતંકવાદનો અંત લાવ્યો છે અને રાજ્યમાં આંતરિક રીતે વિસ્થાપિત બ્રુસને પુનઃસ્થાપિત કર્યા છે. વધુમાં વાત કરતા કહ્યું કે , જ્યાં એક સમયે ડ્રગ્સની હેરાફેરી, હિંસા અને મોટા પાયે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતું હતું, તે હવે વિકાસ, ઉત્કૃષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતમાં સિદ્ધિઓમાં આગળ વધતુ ત્રિપુરા બન્યું છે જે બીજેપીના અથાગ પ્રયત્નો હેઠળ શક્ય બન્યું છે.