કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો અને વિવિધ સરકારી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સ્વયં સહાયતા સમૂહને ફાળવાયેલ ચાના સ્ટોલનું લોકાર્પણ કર્યું. સ્વયં સહાયતા સમૂહની મહિલાઓ સાથે ચર્ચા કરતા અમિત શાહે કહ્યું કે મહિલા SHG દ્વારા ગાંધીનગર રેલવે સ્ટેશન પર અપનારી કુલડીની ચાથી માત્ર પર્યાવરણને જ લાભ નહીં થાય પણ સદીઓ જૂની કળાને પ્રોત્સાહન મળશે તેમજ તેની સાથે સંકળાયેલા પરિવારોને આર્થિક સહાયતા પણ મળશે. તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન આવનારા પ્રવાસીઓને અનુરોધ કર્યો કે તેઓ માટીની કુલડીમાં ચાનો આનંદ અવશ્ય લે. કેન્દ્રીય ગૃહમંત્રીએ થોડા સમય અગાઉ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રજાપતિ મહિલાઓને મફત ઈલેક્ટ્રિક ચાકડા વિતરિત કર્યા હતા.
એક અન્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકૂળ દ્વારા પીએસએમ હોસ્પિટલમાં બનાવાયેલા ઓક્સિજન પ્લાન્ટ અને નવી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યુ. તેમણે માણસા સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ પણ કર્યુ. ત્યારપછી અમિત શાહે પાનસર ગામના તળાવના જિર્ણોદ્ધાર કાર્યનો શિલાન્યાસ અને વિવિધ સરકારી યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમે ગાંધીનગરની જનતાને વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરીને તેમના જીવનને સુગમ બનાવવાના હેતુથી સતત સમર્પિત છીએ. તેમણે કહ્યું કે રોજગારને ગતિ આપવાની દિશામાં કદમ ઉઠાવતા મોદીજીએ અગાઉ ખાદી ગ્રામોદ્યોગની મદદથી ઈલેક્ટ્રિક ચાકડા ઉપલબ્ધ કરાવ્યા અને હવે આજે રેલવે સ્ટેશન પરના ટી સ્ટોલ પર માટીની કુલડીમાં ચા મળવાની શરૂઆત પણ થઈ ગઈ છે અને પ્રોજેક્ટ મહિલાઓનાં સ્વયં સહાયતા ગ્રૂપે શરૂ કર્યુ છે. અમિત શાહે કહ્યું કે,વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારતા આ તમામ કાર્યો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે પાનસર તળાવનું 3 કરોડ રૂપિયાના ખર્ચે સૌંદર્યીકરણ કરવામાં આવશે અને તળાવની પાસે બાળકો માટે રમતનું મેદાન, પાર્કિંગ, નૌકા વિહાર, ફુવારા, જોગિંગ પાર્ક, ફૂડપાર્ક, પ્લાન્ટેશન વગેરેની વ્યવસ્થા કરવામાં આવશે, જેનાથી પાનસરમાં ચમત્કારિક પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે પાનસર તળાવના સૌંદર્યીકરણની આસપાસના વિસ્તારોમાં રોજગારીની તકો પણ પેદા થશે.શાહે કહ્યું કે આજે લગભગ 10 કરોડ રૂપિયાના ખર્ચે 143 નાના વિકાસ કાર્યો જેમાં જિલ્લા આરોગ્ય કચેરીના 2, ઔડાના 1, ગાંધીનગર તાલુકા પંચાયતના 11, તાલુકા પંચાયતોના 99, પ્રાથમિક શિક્ષણને સંબંધિત 3 વિકાસ કાર્યો સામેલ છે, જેની શરૂઆત થઈ ચૂકી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 130 કરોડ લોકોને કોરોનાની રસીના બંને ડોઝ મફત આપવાની વ્યવસ્થા કરી છે અને એવું દુનિયાનો અન્ય કોઈ દેશ ન કરી શકે. તેમણે કહ્યું કે આવું સાહસ નરેન્દ્ર મોદી સિવાય અન્ય કોઈ ન કરી શકે, પરંતુ તેનો લાભ આપણને ત્યારે જ મળશે, જ્યારે ગામમાં 100 ટકા લોકોને રસીના બંને ડોઝ લાગી જાય.શાહે કહ્યું તેના માટે જનજાગૃતિ જરૂરી છે અને આ કામ આપણા બધાનું છે. તેમણે પાનસરના તમામ લોકોને અનુરોધ કર્યો કે તેઓ ઘરે ઘરે જઈને પૂછે કે શું ઘરના તમામ લોકોએ કોરોનાની રસી લગાવી લીધી છે અને જેમણે પણ બીજો ડોઝ ન લીધો હોય તેમને લઈ જઈને બીજો ડોઝ અપાવવાની વ્યવસ્થા કરે. આનાથી પાનસર ગામ કોરોનામુક્ત થઈ જશે.
અમિત શાહે કહ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની પ્રથમ લહેરમાં 7 મહિના સુધી અને બીજી લહેરમાં 6 મહિના સુધી દેશના 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજ મફત આપવાની વ્યવસ્થા કરી. તેમણે કહ્યું કે ગરીબોને જે અનાજ મોકલવામાં આવે છે એ તેમના સુધી પહોંચવું જોઈએ અને આ કામ ગામના નવયુવાનોનું છે.વડાપ્રધાનજીએ 13 મહિના સુધી 80 કરોડ લોકોને મફત અનાજ મોકલવાની જે વ્યવસ્થા કરી છે એ વધુ ગરીબો સુધી પહોંચે તેની જવાબદારી ગામના યુવાનોની છે.
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જાહેર રાજકીય સેવાના 20 વર્ષ પૂરા કર્યા અને 20 વર્ષ સુધી શાસન કરીને લોકોની સેવા કરી.એવા દેશમાં કે જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થા છે ત્યાં કદાચ નરેન્દ્ર મોદીજી જ એક એવા નેતા છે જેમણે પૂરા વીસ વર્ષ સુધી શાસન કર્યુ છે અને આજે પણ લોકોએ તેમને વડાપ્રધાન તરીકે સ્વીકારેલા છે. નરેન્દ્ર મોદીએ લોકાભિમુખ શાસનનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. 7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા હતા અને 7 ઓક્ટોબર, 2021ના રોજ તેમની રાજકીય યાત્રાના વીસ વર્ષ પૂરા થયા અને વર્ષ 2024માં પણ તેઓ જ ચૂંટાશે અને તેનું કારણ એ છે કે તેમના મનમાં હંમેશા લોકસેવાનો વિચાર રહે છે. તેમણે કહ્યું કે સમગ્ર 20 વર્ષમાં નરેન્દ્ર મોદીએ ક્યારેય રજા લીધી નથી.શાહે કહ્યું કે,ગમે તેટલું મોટું લક્ષ્ય હાંસલ થયું હોય, તેનો આનંદ વડાપ્રધાનના ચહેરા પર નહીં દેખાય પરંતુ જે કામ બાકી છે તેની સતત ચિંતા તેમના ચહેરા પર જોવા મળે છે. લોકો, દેશ અને ગરીબો માટે આટલી ચિંતા કરનારા નેતા ભાગ્યવશ જ જોવા મળે છે.
અમિત શાહે કહ્યું કે, છેલ્લા સાત વર્ષોમાં 60 કરોડ લોકોનાં ઘરોમાં બેન્ક એકાઉન્ટ્સ પહોંચાડવાનું કામ વડાપ્રધાન મોદીએ કર્યું છે. 10 કરોડ લોકોનાં ઘરમાં શૌચાલય પહોંચાડ્યા, 60 કરોડ લોકો માટે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર જેવી વ્યવસ્થા નરેન્દ્ર મોદીએ કરી છે અને વર્ષ 2024 પહેલા દરેક ઘરમાં નળથી પીવાનું પાણી પહોંચે એવી વ્યવસ્થા પણ વડાપ્રધાન મોદીજી કરી રહ્યા છે.