Site icon Revoi.in

સોમનાથના સમુદ્રપથ પર હનુમાનજીની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું ગૃહમંત્રી અમિત શાહે અનાવરણ કર્યું

Social Share

વેરાવળઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવજીના દર્શન માટે આવતા તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર તથા પ્રવિણભાઇ લહેરી અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું. સમુદ્ર દર્શન પથ નજીક બીચ પર શ્રી હનુમાનજીની 16 ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે, જેનું અમિત શાહે અનાવરણ કર્યું હતું.

ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રીએ પ્રાર્થના કરી હતી. ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા હતો, સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરી હતી, આ પુજા સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી વિજય ભટ્ટ અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરાવવામાં આવેલ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી.

દેશના ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી  અમિત શાહ દ્વારા પાઠાત્મક મહારુદ્રનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. નિત્ય મહારુદ્ર પાઠની પરંપરા શરૂ કરવામાં આવી છે. મહારૂદ્રપાઠથી સોમનાથ મંદિર સતત ગુંજતુ રહેશે. જેના થકી સોમનાથ મંદિર પરિસરના અતિ પવિત્ર વાતાવરણની દિવ્યતામાં વધુ વધારો થયો છે.  શુક્લ યજુર્વેદી અષ્ટાધ્યાયી રુદ્રી ના 11 આવર્તન થી 1 લધુરુદ્ર, અને લઘુરુદ્ર ના 11 આવર્તન થી 1 મહારુદ્ર સંપન્ન થાય છે. સોમનાથ મંદિર પરિસરમાં દૈનિક રીતે અષ્ટાધ્યાયી રૂદ્રીના 121 આવર્તન દ્વારા પાઠાત્મક મહારુદ્ર કરવામાં આવશે. શાસ્ત્રો અનુસાર સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકો અષ્ટાધ્યાયી રૂદ્રીના શ્રવણ માત્રથી પુણ્યના અધિકારી બનશે.

શિવ ઉપાસનાના આ ઉત્તમ માધ્યમમાં ભક્તો પણ ભાગ લઈ શકે છે. તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 200 રૂપિયાની ન્યોછાવર રાશિ દ્વારા અષ્ટાધ્યાય રૂદ્રી પાઠ પૂજા કરાવવાની સુવિધા ઓનલાઇન તેમજ ઓફલાઇન ઉપલબ્ધ છે. ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થયેલ સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા એક કરોડ 80 લાખ ના ખર્ચે  મારુતિનું હાટનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 10  બાય 10 ફૂટની 202 દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવી છે. આ દુકાનો હોકર્સને મળવાથી 202 પરિવારોને રોજગારી મળી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર 16 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર  હનુમાનજીની 16 ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. બીચ પર આવતા સહેલાણીઓ આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે અને આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે.