સીબીઆઈમાં મચેલા ધમાસાણ વચ્ચે વચગાળાના બજેટમાં કેન્દ્રીય એજન્સીના ફંડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાંપ્રધાન પિયૂષ ગોયેલે પોતાના બજેટીય ભાષણમાં દેશની મુખ્ય તપાસ એજન્સી સીબીઆઈ માટે 777.27 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગત વર્ષની સરખામણીમાં આ રકમમાં મામૂલી ઘટાડો કરવામાં આવ્યો છે.
બજેટીય દસ્તાવેજ મુજબ, સીબીઆઈના ફંડમાં 1.66 કરોડ રૂપિયાનો ઘટાડો કરાયો છે. ગત વર્ષ સીબીઆઈને 778.93 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ એજન્સીને નાણાંકીય વર્ષ 2019-20 માટે 777.27 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગત બજેટમાં સીબીઆઈને 698.38 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ બાદમાં વધારો કરીને 778.93 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
હાલ સીબીઆઈ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ગોટાળો, પોન્જી ગોટાળો, ગેરકાયદેસર માઈનિંગ ગોટાળો, મણિપુરમાં નકલી અથડામણ સહીત દેશ અનેવિદેશમાં ઘણાં સંવેદનશીલ મામલાઓની તપાસ કરી રહી છે. તેના માટે એજન્સીને વર્ક ફોર્સ અને સંસાધનોની જરૂર પડે છે. તેના સિવાય સીબીઆઈ, વિજય માલ્યા, નીરવ મોદી, જતિન મહેતા, મેહુલ ચોક્સી અને નીતિન સંદેસરા જેવા ભાગેડું કારોબારીઓ સાથે જોડાયેલા મામલાઓની પણ તપાસ કરી રહી છે.
ગૃહ મંત્રાલયના બજેટમા વધારો
વચગાળાના બજેટમાં પહેલીવાર ગૃહ મંત્રાલયને એક લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. ગત નાણાંકીય વર્ષ માટે ગૃહ મંત્રાલયને 103000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમા સીમા સંરચનાને મજબૂત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
બજેટના દસ્તાવેજો મુજબ, મંત્રાલયે 2019-20 માટે 103927 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ છે. 2018-19માં ફાળવાયેલા 9903 કરોડ રૂપિયાથી તે 4.9 ટકા વધારે છે. રાજધાની નવી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જોઈ રહેલી દિલ્હી પોલીસને 7496.91 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો પ્રસ્તાવ છે.
તો ભારત અને પાકિસ્તાન તથા ભારત અને ચીનની સીમા પર તણાવ વચ્ચે સીમાની મૂળભૂત સંરચનાના વિકાસ માટે બે હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવતા અભિયાનોમાં લાગેલા સીઆરપીએફને 2019-20 માટે 23742.04 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો પ્રસ્તાવ છે. નાણાંકીય વર્ષ 2018-19માં આ ફાળવણી 2266.63 કરોડ રૂપિયા હતી.