નવી દિલ્હીઃ ભારતનો રાષ્ટ્રધ્વજ ભારતીય લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. નાગરિકોને રાષ્ટ્રધ્વજ માટે પ્રેમ, આદર અને સમ્માન વધે અને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરાય છે. આવા કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેનો દુરુપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાય તે રીતે એકાંતમાં તેનો નાશ કરવો જોઈએ.
રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
‘ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, 2002’ની કેટલીક મુખ્ય વિશેષતાઓ રજૂ કરવામાં આવી છે જેમાં હાથથી બનાવેલા, હાથથી વણાયેલા કે મશીનથી બનાવેલા અથવા પોલિસ્ટર, ઊન, સિલ્ક અને ખાદીના કપડાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. સાર્વજનિક, ખાનગી અને શૈક્ષણિક સંસ્થાના સભ્ય રાષ્ટ્રધ્વજની ગરીમા અને સન્માનને અનુરૂપ તમામ દિવસો અને પ્રસંગોએ ઔપચારિક રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે.
2022ના સુધારા
ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002માં 20મી જુલાઈ, 2022ના સુધારામાં જણાવવામાં આવ્યું છે કે જે સ્થળે ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત થાય અથવા નાગરિકના ઘરે પ્રદર્શિત થાય, તેને દિવસ અને રાત્રે ફરકાવવી શકાશે. રાષ્ટ્રીય ધ્વજ લંબચોરસ આકારનો હોવો જોઈએ. ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે પરંતુ ધ્વજની લંબાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 હોવો જોઈએ. ક્ષતીગ્રસ્ત અથવા વિખરાયેલા ધ્વજને પ્રદર્શિત કરવો ના જોઈએ. ધ્વજ એક જ માસ્ટહેડ પરથી અન્ય કોઈ ધ્વજ અથવા ધજાઓ સાથે ફરકાવવો નહીં.
વાહન પર કોણ ફરકાવી શકે છે ધ્વજ
ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા રાજ્યના રાજ્યપાલ સિવાય કોઈ પણ વાહન પર ધ્વજ લહેરાવી શકાશે નહીં. અન્ય કોઈ ધ્વજ અથવા ધ્વજનું કાપડ રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચાઈએ અથવા બાજુમાં મુકી શકાશે નહીં. આ અંગે વધુ વિગતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઈટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.