- હોંગકોંગ વેક્સિનના લાખો ડોઝ કચરામાં ફેંકશે
- કેટલાક દેશોમાં છે વેક્સિનની અછત
- લોકોના સ્વાસ્થ્યને લઈને લેવામાં આવ્યો નિર્ણય
દિલ્લી: કોરોનાવાયરસની મહામારી વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ માથાનો દુખાવો બનીને બેઠી છે. કોરોનાવાયરસ મહામારીને માત આપવા માટે વિશ્વના મોટા ભાગના દેશોએ વેક્સિનેશન પ્રક્રિયાને વધારે તેજ બનાવી છે ત્યારે હોંગકોંગ એવો દેશ બન્યો છે જે લાખોની સંખ્યામાં ડોઝને કચરામાં ફેંકવાની તૈયારી કરી રહ્યો છે.
આ પાછળનું કારણ એ છે કે હોંગકોંગની પાસે હાલ જે ડોઝ હાજર છે તે વેક્સિનની એક્સ્પાયરી ડેટ નજીક આવી ગઇ છે. અધિકારીઓએ મંગળવારે કહ્યું કે રસી લેવા માટે પૂરતી સંખ્યામાં લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા નથી. આથી પરિસ્થિતિ એવી બની રહી છે કે હોંગકોંગ એવા ગણ્યા ગાંઠયા દેશોમાં સ્થાન પામ્યું છે કે જ્યાં જરૂરિયાત કરતાં વધુ રસી ઉપલબ્ધ છે. અહીંની વસ્તી લગભગ 75 લાખ છે. ઓનલાઇન થઇ રહેલા દુષ્પ્રચાર અને શહેરને વાયરસ મુક્ત કરવાની સરકારી કોશિશ ઓછી પડવાથી લોકો રસી લેતાં અચકાઇ રહ્યા છે.
સરકારી વેક્સિન ટાસ્ક ફોર્સના એક સભ્યે ચેતવણી આપી કે એમની પાસેનો રસીનો જથ્થો આગામી ત્રણ માસ સુધી જ સુરક્ષિત રહી શકશે. એ પછી આ રસીનો જથ્થો ખરાબ થઇ જશે. ફાઇઝર બાયોએનટેક વેક્સિનની પ્રથમ બેચનો જથ્થો એક્સ્પાયર થવાનો છે.
હોંગકોંગે એસ્ટ્રાજેનેકાના 75 લાખ ડોઝ પણ બૂક કરાવ્યા હતા, પરંતુ એને પાછળથી રદ કરી દેવાયા, એમ એમને ઉમેર્યું હોંગકોંગમાં હજી સુધી ફક્ત 19 ટકા પ્રજાને જ રસીકરણનો પ્રથમ ડોઝ અપાયો છે.જ્યારે 14 ટકા વસ્તીએ બંને ડોઝ લીધા છે. અહીંના આરોગ્યકર્મીઓ પણ રસી મૂકાવતા ગભરાઇ રહ્યા છે. આ જ મહિને સ્પષ્ટતા થઇ હતી કે શહેરની એક હોસ્પિટલમાં ફક્ત એક તૃતીયાંશ લોકોએ જ રસી લીધી છે. ફાઇઝરની રસીને પ્રમાણમાં વધુ ઠંડા હવામાનમાં જાળવવી પડે છે. આ રસી છ માસમાં ખરાબ થઇ જાય છે.
હાલ પણ વિશ્વના કેટલાક દેશો એવા છે ખાસ કરીને આફ્રિકાના દેશો કે જ્યાં વેક્સિનને લઈને હજુ પણ એટલી જાગૃતતા અને વેક્સિન એટલી માત્રામાં પહોંચી નથી. આફ્રિકાના દેશોમાં હજુ પણ કોરોનાવાયરસના સંક્રમણનો ખતરો બની રહેલો છે અને જો તેને નજરઅંદાજ કરવામાં આવે તો તે આગામી સમયમાં વધારે મુશ્કેલી ઉભી કરી શકે છે.