પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે દર વર્ષે શિવરાત્રિના દિને પરંપરાગતરીતે અશ્વમેળો યોજાઈ છે. આ વખતે પણ શિવરાત્રિના દિને યોજાયેલા અશ્વમેળામાં 16 રાજ્યોના અલગ અલગ નકસલના અશ્વોએ ભાગ લીધો હતો. અને અશ્વસવારોએ સ્પર્ધામાં ભાગ લઈને કરતબો બતાવ્યા હતા.
લાખણી તાલુકાના જસરા ગામમાં પૌરાણિક બુઢેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર પાંડવોના ઇતિહાસ સાથે સંકળાયેલું છે. દર મહાશિવરાત્રી પર અહીં મોટો અશ્વ મેળો યોજાય છે. જેમાં દરેક રાજ્યોના અશ્વસવારો પોતાના અલગ અલગ નસલના અશ્વો લઈને આવે છે. અને અલગ અલગ કરતબોમાં ભાગ લેતા હોય છે. એવી પણ લોકવાયકા છે. કે, પાંડવો જ્યારે વનવાસ માટે નીકળ્યા તે સમયે જસરા ગામમાં રોકાયા હતા. રોકાણ દરમિયાન તેમણે અહીં બુઢેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. બુઢેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. બુઢેશ્વર મહાદેવ મંદિરના વિશાળ મેદાનમાં છેલ્લા 13 વર્ષ શિવરાત્રીના દિને સૌથી મોટો અશ્વ મેળો યોજાય છે. અહીં અલગ અલગ રાજ્યોમાંથી અશ્વ માલીકો અલગ નસલના ઘોડાઓ લઈને આવે છે અને અહીં યોજાતી વિવિધ પ્રતિયોગીતામાં કરતબોમાં ભાગ લે છે. અશ્વોના કરતબ જોવા માટે આજુબાજુના ગામડાંમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટે છે. લોકો માટે મહાપ્રસાદનો લાભ લે છે. જેમાં શિરો અને બટાકાની સૂકી ભાજીનો પ્રસાદ ભક્તો ગ્રહણ કરે છે.
જસરા ગામે શિવરાત્રીના દિને યોજાયેલા અશ્વમેળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જેવા 16 જેટલા અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ નસલના અશ્વ પાલકો ભાગ લેવા આવ્યા હતા. જેમાં સૌથી વધુ મારવાડી નસલના અશ્વો આવ્યા હતા. મારવાડી નસલમાં અદંત, બે દાંત, વછેરી, વછેરા, બ્રુડમેર જેવી હરીફાઈ યોજવામાં આવી હતી. તેમજ કાઠિયાવાડી નસલ તેમજ સિંધી નસલની હરીફાઈ પણ યોજવામાં આવી હતી. આ તમામ અશ્વોમાં પ્રથમ નંબર આવેલા અશ્વસવારોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.