Site icon Revoi.in

ગુજરાતમાં બાગાયત ક્ષેત્રના વિકાસ માટે હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટીની સ્થાપના કરાશે : કૃષિ મંત્રી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં બાગાયતના સર્વાંગી વિકાસ માટે એક સુદ્રઢ માળખું જરુરી હતું. જે ધ્યાને લઈ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વમાં રાજયભરમાં બાગાયત ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપવાના હેતુથી નવીન આયામ તરીકે “ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી”ની સ્થાપના કરવાનો કૃષિ હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે તેમ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું.

“ગુજરાત હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી”ની ભૂમિકા સ્પષ્ટ કરતાં કૃષિ મંત્રીએ કહ્યું હતું કે આ સોસાયટી રાજયમાં બાગાયત કૌશલ્ય વિકાસ માટે રોજગારલક્ષી કાર્યક્રમોના અયોજનની સાથે વિશ્વભરમાં ઉપલબ્ધ બાગાયત ક્ષેત્રની ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી સામાન્ય ખેડૂતો સુધી પહોંચાડશે. રાજયમાં હાલ અમલી સેન્ટર ઓફ એકસેલેંસ, કેનિંગ કેંદ્રો અને બાગાયત નર્સરીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી ગુણવત્તાયુકત રોપ અને ધરું પુરા પાડશે. સાથોસાથ બાગાયતી મૂલ્યવર્ધિત બનાવટો દ્વારા રોજગારીની તકો પુરી પાડશે.

મંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે છેલ્લા દાયકાઓમાં બાગાયત ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી છે. બાગાયતી ખેતી ટેકનોલોજી અને કૌશલ્ય બંને આયામો ઉપર આધારિત છે. જેને લક્ષમાં લઈ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજયમાં ઈઝરાયલી ટેકનોલોજી આધારિત સેન્ટર ઓફ એકસેલેન્સની સ્થાપના પણ કરવામાં આવી છે. આ કેન્દ્રો ઉપરાંત રાજયભરમાં ગ્રામ્ય  બાગાયતી ખેતીની સાથે સામાન્ય ખેડૂત સુધી બાગાયતનો વ્યાપ વધે તે માટે શહેરી બાગાયતી ખેતી એટલે કે, “અર્બન હોર્ટીકલ્ચર” ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. સેન્ટર ઓફ એકસેલેંસ, કેનિંગ કેંદ્રો અને બાગાયત નર્સરીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી ગુણવત્તાયુકત રોપ અને ધરું પુરા પાડશે. સાથોસાથ બાગાયતી મૂલ્યવર્ધિત બનાવટો દ્વારા રોજગારીની તકો પુરી પાડવાનું આયોજન છે. જેનાથી ખેડુતોને સારોએવો લાભ થશે.(file photo)