કર્ણાટકના બેલ્લારીમાં આવેલા હમ્પીના વિષ્ણુ મંદિરના સ્તંભને પાડનારાઓને હોસાપેટની અદાલતે અનોખી સજા ફટકારી છે. આ મામલામા પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. તેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ ઘોષિત કર્યું છે. અદાલતે દોષિતોને આદેશ આપ્યો છે કે તેઓ તેમના દ્વારા પાડવામાં આવેલા પિલર્સ પર ફરીથી નક્શી કામ કરે. અદાલતે દરેક વ્યક્તિ પર 70 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
જે લોકોને આ મામલામાં ઝડપવામાં આવ્યા હતા, તેમને સજા ફટકાર્યા બાદ સીધા હમ્પીના વિષ્ણુ મંદિર ખાતે લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમની પાસે પિલર્સ પર ઘટનાસ્થળ પર નક્શી કામ કરાવવામાં આવ્યું હતું. ચારેય પાસે અહીં સફાઈ પણ કરાવવામાં આવી હતી. ત્યારે અહીં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને પોલીસ પણ હાજર હતી. બાદમાં આ લોકોએ પુષ્ટિ કરી હતી કે ચારેય પાસે પિલર્સ પર નક્શીકામ કરાવવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે ચાર આરોપીઓમાં મધ્યપ્રદેશથી આયુષ અને બિહારના રાજાબાબુ ચૌધરી, રાજ આર્યન અને રાજેશ કુમાર ચૌધરીની આઠમી ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
દોષિતોએ કોર્ટના આદેશનું પાલન કર્યું અને દંડ પણ ભરી દીધો હતો. બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા છે. દોષિતોએ મંદિરના પિલર્સ પાડવાનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કર્યો હતો. જેને કારણે લોકો આક્રોશિત થયા હતા અને તેમણે ઘટનાનો વિરોધ કરીને કાર્યવાહીની માગણી પણ કરી હતી.
લોકોએ એ વાતનું પણ ધ્યાન દોર્યું હતું કે યુનેસ્કો તરફથી વિશ્વ વારસો ઘોષિત કરાયા બાદ પણ હમ્પીમાં બિલકુલ પણ સુરક્ષા વ્યવસ્થા નથી. અહીં તેના સંરક્ષણ અને નિયમો-કાયદાને ભગવાન ભરોસે છોડવામાં આવ્યા છે. આ ઘટના બાદ હમ્પીની સારી સુરક્ષાની માગણી પણ ઉઠી રહી છે.