- અમદાવાદ પૂર્વની હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા
- શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા
- ડિસેમ્બરના 11 દિવસમાં 3560 કેસ નોંધાયા
ગાંધીનગર : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધતા હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. જાણકારી અનુસાર ડિસેમ્બરના 11 દિવસમાં 3560 કેસ નોંધાયા છે અને તેમાંથી પણ સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 1329 કેસ, મધ્ય ઝોનમાં સૌથી ઓછા 495 કેસ નોંધાયા છે.
જો કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઇને આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. શહેરમાં કોરોના કરતાં અન્ય રોગચાળાએ માથુ ઊચક્યું છે. ડિસેમ્બર માસના 11 દિવસમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં મચ્છર જન્ય રોગનો કુલ આંકડો 3560 એ પહોંચી ગયો છે. જેમાં સૌથી વધુ ડેન્ગ્યુંના 2 હજારથી વધુ કેસ નોંધાયા છે.
ઝેરી મલેરિયાના 84 કેસ, ડેન્ગ્યૂના 2051 કેસ અને ચિકનગુનિયાના 767 કેસ નોંધાયા છે. એટલે પૂર્વની સરકારી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગના કેસોની સારવાર માટે સવારથી દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગે છે.
રોગચાળાને લઇને મ્યુનિ.તંત્ર દ્વારા ગત વર્ષ 2020માં 78,946 લોકોના લોહીના નમુના લેવાયા હતા. તેની સામે મ્યુનિ.દ્વારા ચાલુ ડિસેમ્બર માસના 11 દિવસમાં જ 15,557 લોકોના લોહીના નમૂનાની તપાસ કરાઇ છે. જ્યારે ડેન્ગ્યૂ માટે લીધેલા સીરમ સેમ્પલ અંગે ગત વર્ષે 2020માં મ્યુનિએ 1644 સીરમ સેમ્પલ લીધા હતા. તેની સરખામણીમાં ચાલુ ડિસેમ્બર માસના 11 દિવસમાં 674 લોકોના સીરમ સેમ્પલની તપાસ કરાઇ છે.