Site icon Revoi.in

અમદાવાદમાં ઢોર પકડવા જતી ટીમની માહિતી પશુપાલકોને કેવી રીતે મળે છે?

Social Share

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર પકડવા માટે મ્યુનિની સીએનડી વિભાગની ટીમ સતત કાર્યરત હોય છે. પરંતુ જે વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી પહોંચે તે પહેલા જ પશુપાલકોને તેની જાણ થઈ જતી હોય છે. એટલે પશુપાલકો રખડતા ઢોરને અન્ય વિસ્તારમાં સલામત સ્થળે ખસેડી દેતા હોય છે. એટલે રખડતા ઢોર પકડવામાં મ્યુનિની ટીમને સફળતા મળતી નહતી. આથી પશુપાલકો સુધી માહિતી કેમ લીક થાય છે તે અંગેની ફરિયાદ આસિ. મ્યુનિ. કમિશનરે કરતા હવે વિજિલન્સને તપાસ સોંપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી માટે મ્યુનિના સીએનસીડી વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ઢોર પકડવા માટેની કામગીરીના અપડેટ અને માહિતી માટે બનાવેલા વ્હોટ્સએપ ગ્રુપમાંથી કયા વિસ્તારમાં ઢોર પકડવા ટીમ ક્યારે જશે અને ક્યાં જશે, તે અંગેની તમામ માહિતી પશુપાલકો સુધી પહોંચાડવામાં આવતી હોવાની ફરિયાદ પૂર્વ વિસ્તારને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે કરી હતી. સ્ક્રીનશોટથી લઈને અધિકારીઓના પરિવાર સુધીની માહિતી પશુપાલકો સુધી જતી હોવાની માહિતી મ્યુનિસિપલ કમિશનરને મળતા તેઓએ તાત્કાલિક ધોરણે આ મામલે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે. જોકે, આશ્વર્ય એ વાતનું છે કે,  વિજિલન્સ વિભાગના અધિકારીઓએ વ્હોટ્સએપમાં રહેલા મેસેજ કેવી રીતે પશુપાલક સુધી પહોંચે છે, તેની તપાસ કરવાની જગ્યાએ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની પૂછપરછ કરી તેમની પાસે જવાબ માંગ્યા છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને લેટર મોકલી જવાબ માંગવામાં આવતા જેના પગલે વિજિલન્સની કામગીરી સામે પણ સવાલ ઊઠ્યા છે. ઢોર પકડવાની જવાબદારીમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને જવાબદારી સોંપાય છે, ત્યારે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. પરંતુ વ્હોટ્સએપ ગ્રુપમાં રહેલા કેટલાક સીએનસીડી વિભાગના કર્મચારીઓ દ્વારા માહિતી પહોંચાડવામાં આવતીની શક્યતા છે.

સૂત્રોના કહેવા મુજબ  મ્યુનિસિપલ કમિશનરે રખડતા ઢોર પકડવાની કડક કામગીરીના આદેશ બાદ દરેક ઝોનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની સાથે સીએનસીડી વિભાગના HOD અને અધિકારીઓ તેમજ કર્મચારીઓનું એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેમાં ઢોર પકડવાની કામગીરી અંગેનું તમામ અપડેટ મૂકવામાં આવે છે. વ્હોટ્સએપ ગ્રુપમાં જે માહિતી મૂકવામાં આવે છે અને ઢોર પકડવા જાય તેની પહેલાં જ તમામ માહિતી પશુપાલકો સુધી મળી જતી હોવાની જાણકારી પૂર્વ વિસ્તારના એક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવી હતી. જ્યારે ઢોર પકડવા જાય તેની પહેલા જ પશુ માલિકો ત્યાં પહોંચી જાય છે અને ગાડીની જોડે જોડે ફરતા હોય છે. આવી માહિતી મળતાની સાથે તેઓએ મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર આ બાબતને ગંભીરતાથી લઈને વિજિલન્સ વિભાગને આ જાણકારી કેવી રીતે પશુ માલિકો સુધી પહોંચે છે અને માહિતી ક્યાં કેવી રીતે કોણ લીક કરે છે, તે અંગેની તપાસ કરવા માટેની સૂચના આપી હતી.