નાઇટ્રોજન જનરેટરને કેવી રીતે ઓક્સિજન જનરેટરમાં પરિવર્તિત કરીને ઓક્સિજનની ખેંચનું સમાધાન થઈ શકશે, આઇઆઇટી બોમ્બેએ દર્શાવી રીત
- ઓક્સિજનની સમસ્યાનું આવી શકે છે નિવારણ
- IIT-Bombayએ દર્શાવી રીત
- નાઈટ્રોજન જનરેટરને ઓક્સિજન જનરેટરમાં પરિવર્તિત કરવાની રીત
મુંબઈ: કોરોના સામેની લડાઈ માટે હાલ ભારત સરકાર વિદેશથી ઓક્સિજનની આયાત કરી રહી છે. બહારના દેશોથી મોટા પ્રમાણમાં ઓક્સિજનની આયાત કરવામાં આવી રહી છે. ત્યારે આઇઆઇટી બોમ્બેએ એવી રીત દર્શાવી છે કે, જેમાં નાઇટ્રોજન જનરેટરને કેવી રીતે ઓક્સિજન જનરેટરમાં પરિવર્તિત કરીને ઓક્સિજનની ખેંચનું સમાધાન થઈ શકશે.
આઇઆઇટી બોમ્બેમાં પ્રારંભિક પરીક્ષણો થયા હતા, જેમાં સારાં પરિણામ મળ્યાં છે. ઓક્સિજનનું ઉત્પાદન 3.5 વાતાવરણ દબાણ પર હાંસલ કરી શકાશે, જેની શુદ્ધતા 93 ટકાથી 96 ટકા છે. આ વાયુ સ્વરૂપના ઓક્સિજનનો ઉપયોગ હાલ હોસ્પિટલોમાં કોવિડ સાથે સંબંધિત જરૂરિયાતો માટે અને કોવિડ-19 કેન્દ્રિત આગામી સુવિધાઓમાં ઓક્સિજનનો સતત પુરવઠો પ્રદાન કરવા માટે થઈ શકશે.
આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર આઇઆઇટી બોમ્બેના પ્રોફેસર મિલિન્દ આત્રે (સંશોધન અને વિકાસ)એ કહ્યું હતું કે આ પ્રકારના નાઇટ્રોજન પ્લાન્ટ વાતાવરણમાંથી કાચી સામગ્રી સ્વરૂપે હવા લે છે, જે ભારતમાં વિવિધ ઔદ્યોગિક પ્લાન્ટમાં ઉપલબ્ધ હોય છે. એટલે આ દરેક પ્લાન્ટ ઓક્સિજન જનરેટરમાંથી પરિવર્તિત થવાની સંભવિતતા ધરાવે છે, જેના પગલે આપણને હાલ ઊભી થયેલી જાહેર આરોગ્ય કટોકટીમાં ઓક્સિજનનો પુરવઠો મેળવવામાં મદદ મળશે.
આ વિચારને સાકાર કરવા આઇઆઇટીના રેફ્રિજરેશન અને ક્રાયોજેનિક્સ લેબોરેટરીમાં એક પીએસએ નાઇટ્રોજન પ્લાન્ટને રૂપાંતરણ કે પરિવર્તન માટે પસંદ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક ધોરણે આ અભ્યાસ હાથ ધરવા અને એસઓપીને અંતિમ ઓપ આપવા માટે આઇઆઇટી બોમ્બે, ટાટા કન્સલ્ટિંગ એન્જિનીયર્સ અ સ્પાનટેક એન્જિનીયર્સ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) થયા હતા, જેનો ઉપયોગ સમગ્ર દેશમાં થઈ શકશે.