Site icon Revoi.in

તહેવારના સમયમાં નકલી બેસનની ઓળખ કેવી રીતે કરશો? સાવધાન રહો સાથે સ્વાસ્થ્યને પણ બચાવો

Social Share

તહેવારનો સમય હોય એટલે સામાન્ય વાત છે કે લોકોમાં ખરીદીને લઈને અનેરો ઉત્સાહ હોય જ, આવામાં ક્યારેક ગ્રાહકોની માગને પહોંચી ન વળવા માટે કેટલાક વેપારીઓ દ્વારા તેમાં ખોટી ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે અને એવા અનેક પ્રકારના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આવામાં જે લોકોનું પ્રિય બેસન હોય તે લોકોએ તો આ સમાચાર ખાસ વાંચવું જોઈએ.

FSSAI (ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ભેળસેળવાળા બેસનને ઓળખવા માટેની એક તરકીબ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. FSSAIના મતે ભેળસેળ કરનારાઓ વધારે નફો કમાવવા માટે બેસનમાં ખેસારી દાળમાંથી બનેલા લોટની ભેળસેળ કરે છે જેથી બેસન પહેલા જેટલું શુદ્ધ નથી રહેતું અને શરીરને જરૂરી ન્યૂટ્રિએન્ટ્સ પણ નથી મળતા.

તહેવારો દરમિયાન બેસનની ભારે માગ રહે છે અને અનેક પ્રકારના પકવાન બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, બજારમાં વેચાતા બેસનમાં પણ મોટા પાયે ભેળસેળ કરવામાં આવે છે.

જોકે એક સરળ ટ્રિક દ્વારા આ છેતરપિંડીથી બચી શકાય છે. આ માટે સૌથી પહેલા એક ટેસ્ટ ટ્યુબમાં એક ગ્રામ બેસન લો. ત્યાર બાદ તેમાં 3 મિલીલીટર પાણી નાખો. હવે તૈયાર સોલ્યુશનમાં 2 એમએલ કોન્સનટ્રેટેડ એચસીએલ ઉમેરો. ત્યાર બાદ ટેસ્ટ ટ્યુબને સરખી રીતે હલાવો અને સોલ્યુશનને સરખી રીતે ભળી જવા દો.

ટેસ્ટ ટ્યુબમાં રહેલું બેસન જો શુદ્ધ હશે તો સોલ્યુશન પોતાનો રંગ નહીં બદલે. જો સોલ્યુશનની સરફેસ પર ગુલાબી રંગ જોવા મળે તો સમજી લો કે બેસનમાં ભેળસેળ થયેલી છે. હકીકતે આવું મેટાનિલ યેલો રંગ પર એચસીએલના રિએક્શનના કારણે થાય છે. બંને કોમ્બિનેશનના કારણે સોલ્યુશનની સપાટી પર ગુલાબી રંગ જોવા મળે છે. આ માટે એફએસએસએઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોને પણ લોકોએ અવશ્ય જોવો જોઈએ.