- કોરોનાની ત્રીજી લહેરનું જોખમ
- બાળકો સંક્રમિત થવાની સંભાવના
- રાજસ્થાન-કર્ણાટકમાં બાળકો વધારે સંક્રમિત
દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર હજુ પણ શાંત પડી નથી. રોજ લાખની સંખ્યામાં તો કેસ આવી જ રહ્યા છે, આવા સમયમાં કોરોનાની ત્રીજી લહેર વિશે લોકોએ જાણવું જોઈએ અને સતર્ક પણ થવું જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને લઈને જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ લહેરમાં બાળકો વધારે સંક્રમિત થઈ શકે તેમ છે.
બાળકો માટે વેક્સિન હાલ તો બજારમાં ઉપલબ્ધ નથી. પરંતુ બાળકોને સંક્રમિત થતા બચાવવા માટે માતા-પિતાએ ફરજીયાત વેક્સિન લેવી જોઈએ. બાળકોને કોરોનાથી સંક્રમિત થતા બચાવવા માટે માતા પિતાએ પણ કામ વગર ઘરની બહાર નીકળવુ જોઈએ નહી અને ઘરમાં સંપૂર્ણ તકેદારી સાથે રહેવું જોઈએ.
બાળકોને પણ હંમેશા તમારી નજરમાં રાખો અને ધ્યાન રાખો કે તે અન્ય કે અજાણ વ્યક્તિના સંપર્કમાં આવતા તો નથી ને. કારણ છે કે રાજસ્થાન અને કર્ણાટકમાં મોટી સંખ્યામાં બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. જે સરકાર અને પ્રશાસન માટે ચિંતાનો વિષય બન્યો છે.
જાણકારો દ્વારા તે બાબતે પણ સતર્ક કરવામાં આવ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર પર જો અત્યારથી ધ્યાન આપવામાં આવશે નહી તો આગામી સમયમાં તે બાળકો માટે અતિજોખમી સાબિત થઈ શકે તેમ છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે અને કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ પગલા લેવામાં આવી રહ્યા છે.