અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 64.22 ટકા જાહેર થયુ છે. આજે જોહેર થયેલા પરિણામના આંકડા પણ ખૂબ જ રસપ્રદ છે. તેમાં અમદાવાદ સહિત મોટા શહેરોમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું હોય તેવું સામે આવે છે. જ્યારે ગામડાઓમાં વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યા છે, એમાં પણ ખાસ કરીને જો 0% રિઝલ્ટવાળી સ્કૂલોની વાત કરવામાં આવે તો અમદાવાદ, સુરત, રાજકોટમાં તે સંખ્યામાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં વડોદરા શહેર જ એકમાત્ર 2022ની સરખામણીએ ઝીરો ટકા રિઝલ્ટથી અપડેટ થઈને અપગ્રેડ થયું છે. આખા રાજ્યમાં કુલ 157 શાળાઓ 0% પરિણામ લાવી છે. જે ગુજરાતના શિક્ષણ વ્યવસ્થા સામે પ્રશ્ન ઊભા કરી રહ્યા છે.
ગુજરાતમાં ધોરણ 10ના પરિણામમાં આ વખતે આવેલા ટ્રેન્ડમાં ઘણા રસપ્રદ તારણ સામે આવી રહ્યા છે. જેમાં 0% પરિણામ ધરાવતી શાળાઓના આંકડા શહેરો માટે ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, વર્ષ 2022માં અમદાવાદ શહેરમાં ઝીરો ટકા પરિણામવાળી પાંચ શાળા હતી, જે વધીને 8 થઈ છે. રાજકોટમાં જે 6 શાળા હતી તે વધીને 13 થઈ છે. સુરતમાં 2022માં 3 શાળાઓ હતી, જે 2023માં વધીને 6 થઈ છે. આમાં ત્રણ મોટા શહેરમાં ઝીરો ટકા પરિણામવાળી શાળાઓમાં વધારો થયો છે. એટલે કે 50% જેટલી શાળાઓ વધી છે, જેમાં 0% પરિણામ આવ્યું છે. બીજી તરફ વડોદરા શહેરમાં 2022 માં 0% રિઝલ્ટવાળી છ શાળાઓ હતી, જે 2023માં ઘટીને એક થઈ છે. એટલે કે વડોદરા શહેરે શિક્ષણમાં રિકવરી કરવાનો શરૂ કરી દીધો છે. જ્યારે આખા જેને લીધે રાજ્યના ત્રણ મોટા શહેરો શિક્ષણમાં પાછળ પડી રહ્યા છે અને શાળાઓનું પરિણામ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે.
ધોરણ 10ના પરિણાની સમીક્ષા કરીએ તો આ બધાની સાથે સો ટકા પરિણામવાળી શાળા 2022માં સમગ્ર રાજ્યમાં 294 હતી, જે ઘટીને આ વખતે 272 થઈ છે. એટલે કે સો ટકા પરિણામ વાળી શાળાઓમાં પણ ઘટાડો થયો છે, અને તેની સાથે સાથે 30% થી ઓછા પરિણામ વાળી શાળાઓ પણ 2022માં 1007 હતી, જે વધીને 1084 છે. એટલે તે સંખ્યા પણ ચોંકાવનારી રીતે વધી છે. એટલે શિક્ષણમાં ક્યાંક શિક્ષણમાં ખૂબ જ ગંભીર અસર દેખાઈ રહી છે.