- બ્રિટનમાં 19 જુલાઈ સુધી લોકડાઉન વધારાયું
- લોકડાઉનના કારણે ઘટી રહ્યા છે મોતના કેસ
- 19 જુલાઈએ સમાપ્ત થઇ જશે તમામ પાબંધી – પીએમ
દિલ્હી : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ચાર અઠવાડિયા વધુ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.આ પહેલા પ્રતિબંધો 21 જૂને સમાપ્ત થવાના હતા.પરંતુ હવે લોકડાઉનને 19 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે.
જોનસને કહ્યું કે, કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપને કારણે સંક્રમણના કેસ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસોની સંખ્યામાં વધારો થવાની ચિંતા રહે છે.
વડાપ્રધાનની આ ઘોષણા સાથે હવે ‘સ્વાતંત્ર્ય દિન’ 19 જુલાઈએ મનાવવામાં આવશે. જો કે, તે લોકડાઉન સમાપ્ત થવાની ખુશીમાં ઉજવાશે.
જોનસને કહ્યું કે, થોડી વધારે રાહ જોવી વધુ સારી રહેશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે, 19 જુલાઇ એ પ્રતિબંધોને સમાપ્ત કરવાનો છેલ્લો દિવસ હશે અને તેને વધુ લંબાવવાની જરૂર રહેશે નહીં.
બ્રિટનમાં કોવિડ -19 થી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1,27,000 થી વધુ છે. જો કે, કોવિડથી દરરોજ જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે આવું બન્યું છે. આ સિવાય રસીકરણની પણ આમાં મુખ્ય ભૂમિકા છે.