મણિપુરમાં શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો ઝડપાયો, 1500થી વધારેની અટકાયત
- સુરક્ષા એજન્સીઓએ 123 સ્થળો ઉપર ઉભા કર્યા ચેકપોસ્ટ
- વિવિધ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું
- ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પ્રજાને કરાઈ અપીલ
નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ હાલ પરિસ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. એટલું જ નહીં અસમાજીક તત્વોને ઝડપી લેવાની સાથે હથિયારો જપ્ત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 1500થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે, એટલું જ નહીં વિવિધ સ્થળો ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે અભિયાન હાથ ઘરીને મારક હથિયારોનો જથ્થો જપ્ત કરાયો છે.
મણિપુરમાં પોલીસ દ્વારા હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો છે. મણિપુર પોલીસનું કહેવું છે કે રાજ્યમાં સ્થિતિ હજુ પણ તંગ છે. પોલીસે જણાવ્યું કે, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અલગ-અલગ જગ્યાએથી ચાર બંદૂકો, 38 દારૂગોળો અને આઠ બોમ્બ મળી આવ્યા છે. આ સિવાય પોલીસે કાકચિંગ, કાંગપોકપી અને થૌબલ જિલ્લામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસનું કહેવું છે કે, 24 કલાકમાં રાજ્યમાં સ્થિતિ તણાવપૂર્ણ હતી અને આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ એકઠા થવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મણિપુરમાં અલગ-અલગ જિલ્લાઓમાં 123 ચેકપોઇન્ટ ઉભા કરાયાં છે. પોલીસે વિવિધ જિલ્લામાંથી 1581 લોકોની અટકાયત કરી છે.