ભારતમાં ખાંડના ઉત્પાદનમાં 3 મહિનામાં જંગી વધારો, ઉત્પાદન 42 ટકા વધ્યું
દિલ્હીઃ ભારતમાં છેલ્લા 3 મહિનાના સમયગાળામાં ખાંડના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. આ સમયગાળામાં ખાંડનું ઉત્પાદન લગભગ 42 ટકા વધીને 1.10 કરોડ ટન થયું છે. જેથી ખાંડની નિકાસમાં પણ વધારો થવાની આશા છે. ગયા વર્ષે આ સમયગાળામાં 77.63 લાખ ટન ખાનનું ઉત્પાદન થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં 39.86 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ગયા વર્ષે આ સમયગાળામાં લગભગ 16.50 લાખ ટન ઉત્પાદન થયું હતું. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાં પણ ખાંડના ઉત્પાદનમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશમાં 33.66 લાખ ટન ઉત્પાદન થયું છે. આમ રાજ્યમાં ખાંડનું જંગી ઉત્પાદન થતા ભાવમાં ઘટાડો થવાની શકયતાઓ જોવા મળી રહી છે.
ભારતમાં ત્રણ મહિનામાં 10 લાખ ટન ખાંડની નિકાસના કોન્ટ્રેક્ટ થયા છે. સરકારે ખાંડના નવા વર્ષ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 માટે 60 લાખ ટન ખાંડની નિકાસનો લક્ષ્યાંક મૂક્યો છે. ભારત દ્વારા અનેક દેશોમાં ખાંડની નિકાસ કરવામાં આવે છે. દુનિયાના ટોપ પાંચ દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે થાઈલેન્ડમાં ખાંડનું ઉત્પાદન ઓછું થયું હોવાથી ભારતને તેનો ફાયદો થવાની આશા છે.