Site icon Revoi.in

રાજ્ય સરકારના કર્મચારીઓની અમદાવાદ સહિત મહાનગરોમાં વિશાળ રેલીઓ યોજાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકારી કર્મચારીઓનું આંદોલન સરકાર માટે માથાના દુઃખાવારૂપ બન્યુ છે. રાજ્યના મંત્રીઓની બનેલી સમિતિએ કર્મચારી મંડળોના અગ્રણીઓને સમજાવવાના પ્રયાસો પણ કર્યા પરંતુ જ્યાં સુધી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કર્મચારીઓ લડત સમેટી લેવાની ના પાડી દીધી છે. રાજ્યમાં રવિવારે તમામ મહાનગરોમાં કર્મચારીઓની રેલી યોજાઈ હતી. અને જૂની પેન્શન યોજના સહિતની માગ સાથે કર્મચારી મંડળ રસ્તા પર ઉતર્યા હતા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં રેલીઓ કાઢીને આંદોલન કર્યા હતા. તો બીજી તરફ આવતી 17મી સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓની વિવિધ 15 જેટલી માંગણીઓ છે. જેમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા, ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા, સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવા, રહેમરાહે નિમાયેલા કર્મચારીઓની સેવા તમામ હેતુ માટે સળંગ ગણવી, કેન્દ્રની માફક 10, 20 અને 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા,  10 લાખની મર્યાદામાં કેશ લેસ મેડિકલેમનો લાભ આપવા, નિવૃત્તિ વય મર્યાદા 58 ના બદલે 60 વર્ષની કરવા, ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓના અવસાનના કિસ્સામાં વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાયના બદલે અગાઉની જેમ રહેમ રાહે નોકરી આપવા સહિતના વિવિધ 15 જેટલ પ્રશ્ને આંદોલન છેડાયું છે. રવિવારે યોજાયેલી રેલીમાં પ્રાથમિક શિક્ષકો, સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકો, આચાર્ય સંઘ, ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ, આરોગ્ય, કલેક્ટર કચેરી, મહેસૂલ, ગ્રામસેવક, તલાટી , ન્યાય ખાતું, વહીવટી સંઘ, ઉત્કર્ષ મંડળ, બહુમાળી ભવન વગેરેના કર્મચારીઓ જોડાયા હતા.

અમદાવાદના ઈન્કમટેક્સ ખાતે ગાંધીજીની પ્રતિમાથી લઈને કલેક્ટર કચેરી સુધી વિવિધ જિલ્લાના સરકારી કર્મચારીઓની ગ્રેડ-પે પગાર વધારો અને જૂની પેન્શન યોજના લાગુ કરોની માગ સાથે રેલી યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી સરકારી કર્મચારીઓ રેલીમાં જોડાયા હતાં.રાજકોટ તેમજ વડોદરા અને સુરતમાં પણ રવિવારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે ત્રણ હજાર જેટલા સરકારી કર્મચારીઓની રેલી યોજાઇ હતી. જેમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ પણ જોડાયા હતા.