સુરતથી બિહાર, UP જવા પ્રવાસીઓનો ભારે ધસારો, ઉધના રેલવે સ્ટેશને હૈયેહૈયું દળાય એવી ભીડ
સુરતઃ શહેરના ટેક્સટાઈલ ઉદ્યાગોમાં મંદી તેમજ ઉનાળુ વેકેશન, લગ્નસરાની સીઝનને લીધે પરપ્રાંતના શ્રમિકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશને હૈયેહૈયુ દળાય એવી ભીડ જોવા મળી હતી. એકાએક પ્રવાસીઓની સંખ્યા વધી જતાં રેલવે તંત્ર દોડતું થયુ હતું. અને ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ખસા 6 ટ્રેનનો દાડાવવામાં આવી છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડને લીધે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લોકોને લાઈનમાં ટ્રેન સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
સુરતના રેલવે સ્ટેશન પર છેલ્લા ત્રણ-ચાર દિવસથી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, રવિવારે તો રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાંતના શ્રમિકો પોતાના વતન જવા માટે ઉમટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, RPF અને GRPના તહેનાત જવાનોએ ભીડને કંટ્રોલ કરી લાઈનબંધ રીતે ટ્રેનમાં બેસાડયા હતા. એટલું જ નહીં અંત્યોદય ટ્રેનમાં બેસવા માટે લોકો રહી જતાં રેલવેતંત્રે તાત્કાલિક અસરથી ઉધના-જયન વચ્ચેની બીજી ટ્રેન જ્યારે ત્રીજી અનરિઝર્વ ટ્રેન દોડાવી હતી. આ સાથે જ ઉધના-ગોરખપુર અંત્યોદય ટ્રેન પણ રવાના કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ ટ્રેન અને રેગ્યુલર ટ્રેન મળીને રવિવારે સુરતથી અંદાજે 20 હજારથી વધુ પરપ્રાંતિયો ઉત્તરપ્રદેશ અને બિહારના અલગ અલગ જિલ્લાઓમાં આવેલા પોતાના વતન ગયા હતા. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 1 લાખથી વધુ પરપ્રાંતિયો સુરતથી પોતાના માદરે વતન ગયા છે. હજુ પણ સુરતથી જનારા પરપ્રાંતિયોની સંખ્યા વધુ હોવાથી રેલવેતંત્ર રોજિંદા સ્પેશિયલ અને અનરિઝર્વ્ડ ટ્રેન દોડાવાશે. સોમવારે પણ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અનરિઝર્વ્ડ ટ્રેન દોડાવતી હોવાથી કરંટ ટિકિટ માટે રેલવે તંત્ર દ્વારા સ્પેશિયલ કાઉન્ટર પણ ખોલવામાં આવ્યા હતા.