Site icon Revoi.in

હમ આપકે હે કોન ના મ્યુઝીક કંપોઝર રામલક્ષ્મણનું નિધન

Social Share

મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કોન અને હમ સાથ સાથ હૈં જેવી પ્રખ્યાત બ્લોકબસ્ટર ફિલ્મોનું મ્યુઝીક આપનારા 79 વર્ષીય સંગીતકાર રામ લક્ષ્મણ એટલે કે વિજય પાટીલનું નાગપુરમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

રામ લક્ષ્મણનું વાસ્તવિક નામ વિજય કાશીનાથ પાટીલ હતું. તેમણે 200 થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જેમાં હિન્દી, ભોજપુરી અને મરાઠી ફિલ્મો પણ સામેલ છે. રાજશ્રી પ્રોડક્શન ફિલ્મોએ તેમને વિશેષ ઓળખ આપી હતી. તે પહેલાં વિજય પાટિલને દાદા કોંડકેએ ઇન્ડસ્ટ્રીમાં લાવ્યા હતા, જેની મરાઠી ફિલ્મો સાથે તેમણે પોતાનું કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ વિજય પાટીલે દાદા કોંડંકેની અનેક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું.

લતા મંગેશકરે વિજય પાટિલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, મને હમણાં જ ખબર પડી કે, ખૂબ જ પ્રતિભાશાળી અને લોકપ્રિય સંગીતકાર રામ લક્ષ્મણજીનું નિધન થયું છે. મને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. તે ખૂબ જ સારા વ્યક્તિ હતા. મેં તેમના ઘણા ગીતો ગાયાં જે ખૂબ પ્રખ્યાત થયા. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.