અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. સોથી વધુ કફોડી હાલત રોડના ફુટપાથ પર રાત્રે ઊંઘતા ગરીબ પરિવારોની થઈ છે. કડકડતી ઠંડીમાં પુરતું ઓઢવાનું પણ નહોય ગરીબ પરિવારના પુરૂષો, મહિલાઓ અને બાળકો કડકડતી ઠંડીમાં કાંપતા હતી. ત્યારે આવા ગરીબ પરિવારોની વહારે શહેર પોલીસ આવી હતી. શહેર પોલીસે રસ્તા પર રાત્રે ઠુંઠવાતા લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળાનું વિતરણ કર્યું હતું. ઠંડીમાં થથરી રહેલા ગરીબ પરિવારોને પોલીસે મદદ કરવા માટે હાથ લંબાવતા ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ઘણાં જરૂરિયાતવાળા લોકોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. અમદાવાદ પોલીસના આ માનવીય અભિગમની સરાહના થઈ રહી છે.
અમદાવાદ શહેરમાં વધતી જતી વસતી સાથે શહેરના વ્યાપ પણ વધતા જાય છે. પોલીસના માથે લોકોની સુરક્ષા કરવાની જવાબદારી છે, સામાન્ય રીતે લોકોને પોલીસના આકરા સ્વભાવનો અનુભવ થતો હોય છે. પરંતુ શહેરના સાબરમતીમાં ગરીબોને મદદ કરતા પોલીસના દિલમાં પણ દયા ભાવનાનો ભાવ હોય છે તેની પ્રતીતિ કરાવી છે. પોલીસની ગાડી કોઈ વ્યક્તિની પાસે આવીને ઉભી રહે તો તે વ્યક્તિને મનમાં સવાલ થવા લાગતો હોય છે કે હવે પોલીસ તેને શું કહેશે? આવા જ કંઈક વિચારો ઠંડીમાં ઠૂંઠવાઈ રહેલા અને ફુટપાથ પર ઊંઘી ગયેલા ગરીબોના મનમાં પણ આવ્યા હશે. પરંતુ જ્યારે પોલીસે પોતાના વાહનમાંથી ધાબડા કાઢીને તેમને ઠંડીમાં રક્ષણ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના મન ભરાઈ આવ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સાબરમતી પોલીસ સ્ટેશન દ્વારા કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાં રાહત મળે તે સારું પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ પૈડાવાળી રિક્ષા પર ઊંઘી રહેલા બે લોકોને પોલીસ ધાબળો ઓઢાડી રહી છે. પોલીસે કરેલી મદદથી ખુશીની લાગણી અનુભવતા ગરીબ પરિવારે બે હાથ જોડીને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રીતે વાસણા પોલીસની ટીમ દ્વારા પણ ફૂટપાથ પર ઊંઘી રહેલા અને ઝૂંપડામાં રહેતા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી બચાવવા માટે ધાબળા ઓઢાડતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી. પોલીસે કરેલી મદદથી ઘણાં ગરીબ પરિવારોને ઠંડીમાં રાહત મળી હતી. આ સેવાકાર્યમાં મહિલા પોલીસની ટીમ પણ જોડાઈ હતી. (file photo)