Site icon Revoi.in

અમદાવાદમાં ભેજવાળા વાતાવરણને લીધે રોગચાળો વકર્યો, વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી ભેજ વાળા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો છે. વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 11486 ઓપીડી નોંધાઈ રહી છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઈન્ફેક્શનના વધુ કેસ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મ્યુનિ.ની હોસ્પિટલો, અને ખાનગી દવાખાઓમાં પણ દર્ધીઓની લાઈનો જાવા મળી રહી છે.

શહેરમાં છેલ્લા એક પખવાડિયાથી આકાશમાં વાદળો ગોરંભાતા અને સમયાંતરે પડી રહેલા વરસાદના ઝાપટાંને લીધે તેમજ હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા સીઝનલ રોગચાળો વકરી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા માખી અને મચ્છરની ઉત્પત્તિમાં પણ વધારો થયો છે. જેને કારણે મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો છે. આ સાથે જ પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે.  શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ચોમાસાની ઋતુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દર્દીઓનો ઘસારો વધ્યો છે.

શહેરની સિવિલ સોલા હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં 11,486 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જેમાંથી 1,240 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીને કારણે પણ દર્દીઓ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. તદુપરાંત ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ઠંડક રહેતી હોય છે. આ સાથે જ અમદાવાદ શહેરની ભૌગોલિક સ્થિતિને આધારે સામાન્ય વરસાદ વરસે છે. પરંતુ તેની સામે બફારો પણ વધી જતો હોય છે. આ સ્થિતિમાં એક તરફ ગરમી અને એક તરફ ઠંડકનો માહોલ હોય છે. આથી શહેરીજનો વાઇરલ ઇન્ફેક્શનના ભરડામાં આવે છે. આથી ગત એક સપ્તાહ દરમિયાન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના 1,794 દર્દીઓ નોંધાયા હતા.

શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆતથી જ મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થતો હોય છે. આ વખતે ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. ગત એક સપ્તાહ દરમિયાન હોસ્પિટલમાં ડેન્ગ્યુના 552 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી 88 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે કે, ડેન્ગ્યુના લક્ષણો સાથે દર્દીઓ હોસ્પિટલમાં આવે છે, પરંતુ તેમાંથી કેટલાક જ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. બાકીના તમામ દર્દીઓમાં સામાન્ય ઇન્ફેક્શન જેવા લક્ષણો દેખાતા હોય છે. ગત એક સપ્તાહ દરમિયાન 468 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 20 દર્દીઓનો મેલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત વાઇરલ હિપેટાઇટિસના પણ કેસ આવતા હોય છે. કારણ કે, તે પાણીજન્ય રોગ છે અને ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગ પણ વધી જતા હોય છે. તેવામાં ગત એક સપ્તાહ દરમિયાન ફક્ત એક જ દર્દીનો વાઇરલ હિપેટાઇટિસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહ દરમિયાન ઝાડા-ઊલટીના 36 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ટાઈફોડના 157 દર્દીઓ નોંધાયા હતા.