અમદાવાદઃ શહેરમાં વરસાદી ભેજવાળા વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યૂ, ઝાડા-ઊલટી અને ટાઈફોઇડ સહિતના કેસોમાં વધારો થયો છે. શહેરમાં બે દિવસમાં સૌથી વધુ ડેન્ગ્યૂના કેસો નોંધાયા છે. ચાલુ સપ્ટેમ્બર માસ દરમિયાન ડેન્ગ્યૂના 566, મલેરિયાના 124 કેસો, ઝાડા-ઊલટીના 335 કેસો, ટાઇફોઇડના 348, કમળાના 162 અને ચિકનગુનિયાના 9 કેસો નોંધાયા છે. જ્યારે કોલેરાના 6 કેસો નોંધાયા છે. જેમાં દાણીલીમડા, વટવા તેમજ ઈન્દ્રપુરી વોર્ડમાં કોલેરાના કેસ નોંધાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધતાં અટકાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના અને ડેન્ગ્યૂના કેસોમાં વધારો થયો છે. કોલેરાના તમામ 6 કેસ પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. પૂર્વ વિસ્તારમાં કેસો વધતા ખાદ્ય સામગ્રીનું ચેકિંગ, પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા 2733 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 46 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જ્યાં પણ આવા અનફિટ સેમ્પલો મળી આવ્યા છે ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા લીકેજને સમારકામ કરવાની કામગીરી કરવામાં આવે છે.
એએમસીને આરોગ્ય વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વધે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ટ્રિગર ડ્રાઈવ અને અવેરનેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળી આવે છે. ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.