અમદાવાદઃ રાજ્યમાં ભર શિયાળે માવઠું પડ્યા બાદ હવે ઠંડીમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. જોકે, અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.તેમજ સાંજ પડતાં પવનની ગતિ ઘટી જતાં વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. પવનની ગતિમાં વધારો થતાં વિઝિબિલિટી 2 કિલોમીટર સુધી પહોંચી હોવાનું હવામાન નિષ્ણાંતોનું માનવું છે. માવઠા બાદ રાજયના અનેક સ્થળોએ ભેજના પ્રમાણને કારણે ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું છે. આગામી 10મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે, જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. લઘુતમ તાપમાનમાં પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજનું પ્રમાણે સવારે 8.30 વાગ્યે 78 ટકા અને સાંજે 5.30 વાગ્યે 59 ટકા નોંઘાયું હતું. આગામી 3 દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહશે.
હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદ સહિતના વિસ્તારોમાં આગામી 10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે. છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પલટો આવવાથી વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વરસાદ થવાથી સુગર મિલો, ખેડૂતો અને સહકારી મંડળીના સંચાલકો ચિંતામાં મુકાયા હતા કેમકે આ વરસાદના કારણે શાકભાજી, કઠોળ, ઘઉં, કપાસ અને શેરડીના પાકને નુકશાન થશે. ખાસ કરીને ખેતરમાં પડેલો ઘાસચારો અને હાલમાં શેરડીનું કટિંગ ચાલી રહ્યું છે અને વરસાદ પડવાના કારણે સુગર મિલોની ટ્રકો ખેડૂતોના ખેતરમાં ના જઇ શકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શેરડીનું કટિંગ અટવાયું છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં રોજ 50 હજાર ટનથી વધુ શેરડી પીલાણ માટે આવે છે પણ વરસાદ પડવાના કારણે શેરડીના કટિંગ લબાઈ જતા સુગર મિલો અને ખેડૂતોને ભારે નુકશાન થશે.