(સ્પર્શ હાર્દિક)
ફોર-જી પહેલાંનું ઇન્ટરનેટ વાપરનારા લોકોને બફર શબ્દ હજુ યાદ હશે. વિડિઓ જેવી ભારે સામગ્રી ડચકે ડચકે લૉડ થાય એને બફરિંગ કહેવાતું. શબ્દકોષ મુજબ બફર અર્થાત બે ભારે વસ્તુઓ નજીક આવતાં જોરથી અથડાય નહીં એ માટે વચ્ચે સ્પ્રિંગ જેવું કશુંક સાધન મૂકાય એ. રેલ્વેના પાટા અને ડબ્બાઓમાં બફર ગોઠવેલાં હોય છે. જીઑપૉલિટિક્સમાં ‘બફર સ્ટેટ’ નામક એક સંજ્ઞા છે, જેનો અર્થ ઉપરની વ્યાખ્યા પરથી સ્પષ્ટ થઈ જાય છે. ઘણે અંશે વિરોધી કે પ્રતિસ્પર્ધી હોય એવાં રાષ્ટ્રો વચ્ચેનું તટસ્થ ગણી શકાય એવું રાજ્ય બફર સ્ટેટ કહેવાય. બ્રિટિશકાળમાં ત્યારના બૃહદ ભારતમાં પોતાની સત્તા હેઠળનો વિસ્તાર સચવાઈ રહે એ માટે વોરન હેસ્ટિંગે ‘રિંગ ફેન્સ’ નીતિ અપનાવેલી હતી, જેમાં કોઈ પડોશી રાજ્યને થોડેઘણે અંશે સ્વાયત્ત રહેવાની અનુમતિ આપવામાં આવતી, એની સૈન્ય શક્તિ જળવાઈ રહે એ પણ જોવામાં આવતું. કેમ? તો જવાબ છે કે, શત્રુ હુમલો કરવા આવે તો પહેલાં જે-તે પડોશી રાજ્યે સામનો કરવો પડે. બ્રિટિશ સત્તામાં રહેલા ત્યારના બંગાળ પર અફઘાની કે મરાઠી સૈન્ય સીધું આક્રમણ ન કરે એ ડરથી એની સુરક્ષાથી ચિંતિત વોરન હેસ્ટિંગે રિંગ ફેન્સ નીતિ પ્રમાણે પડોશના અવધના રાજ્યનો ઢાલ જેમ ઉપયોગ કરેલો.
આગળ જતાં આવી સુરક્ષા નીતિ બફર સ્ટેટના વિચારને વિકસાવે છે. અતીતમાં રશિયા અને ચીન જેવા કદાવર રાજ્યોથી ભારતમાં પગ જમાવી ચૂકેલી બ્રિટિશ સત્તાને લાગતો ખતરો તિબેટ, નેપાળ, અફઘાનિસ્તાન, સિક્કિમ અને ભૂતાન જેવાં બફર સ્ટેટને કારણે ઓછો થઈ જતો. તિબેટને ચીનીઓ ખાઈ ગયા, વિભાજન પછી પાકિસ્તાન જેવો કૃત્રિમ દેશ સર્જાતા અફઘાનિસ્તાન બફર સ્ટેટ મટી ગયું. આઝાદી પછી ભારત દ્વારા સંરક્ષિત રાજ્ય તરીકે દરજ્જો મેળવનાર સિક્કિમ ૧૯૭૫માં ભારતમાં સમાઈ ગયું. બાકી રહ્યાં બે, નેપાળ અને ભૂતાન. જેમાંથી નેપાળમાં ચીનીઓનો પ્રભાવ વધતો હોવાની ચિંતા લાંબા સમયથી વ્યક્ત થઈ રહી છે અને હવે ભૂતાન પણ એ જ કારણે સમાચારમાં ચર્ચાઈ રહ્યું છે.
તિબેટને ૧૯૫૦-૫૧માં ચીને હડપી લીધું એ પછી ચીનની વિસ્તારવાદી નીતિથી ડરી ગયેલા ભૂતાને સ્વતંત્ર ભારત તરફ મિત્રતાની નજરે જોયું હતું. બંને વચ્ચે ૧૯૪૯માં થયેલી સંધિ મુજબ ભૂતાન વિદેશનીતિ સંબંધિત બાબતો માટે ઘણુંખરું ભારત પર નિર્ભર રહે છે. જોકે, ૧૯૭૫માં સિક્કિમને ભારતમાં ભેળવી દેવાયું એનાથી ભૂતાન થોડું સાવચેત જરૂર બની ગયેલું. ત્યારથી ભારત તરફથી ભવિષ્યમાં ક્યારેય જો કોઈ પ્રકારનો ખતરો ઊભો થાય તો ચીનની મદદ મળી રહે એ માટે ભૂતાને ચીન સાથે પણ સંતુલિત સંબંધો કેળવવાનું શરૂ કરેલું. ૧૯૮૪માં તેણે ચીન સાથે એણે ઊભા કરેલા સરહદના વિવાદો પર વાતચીત શરૂ કરેલી. ૨૦૦૭માં ભૂતાન અને ભારત વચ્ચેની નવી સંધિ પછી ભારત હવે અધિકૃત રીતે વિદેશનીતિ વિષયક બાબતોમાં માર્ગદર્શકની ભૂમિકામાંથી બહાર આવી ગયું અને ભૂતાન એમાં પોતે નિર્ણયો લેવા સ્વતંત્ર થયું. આ પરિવર્તન પછી પણ ભારત આર્થિક દૃષ્ટિએ ભૂતાનનું મહત્વનું સાથીદાર છે અને ત્યાંની પંચવર્ષિય યોજનાઓ હોય કે હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, ભારત એના વિકાસમાં કાયમ મદદ કરતું આવ્યું છે.
કોઈ પણ મોટા દેશ પાસે નાના બફર સ્ટેટ હોવાથી ફાયદો એ રહે કે શત્રુ સાથે સીધો સંઘર્ષ ટળી જાય અને પોતાને પ્રત્યક્ષ રીતે આંતરરાષ્ટ્રિય સંબંધોમાં હાની ન થાય એમ બફર સ્ટેટના માધ્યમથી કોઈ પ્રકારના પ્રહાર કરી શકાય. હિમાલય પર્વત શૃંખલા જેવા ખડતલ રક્ષકની ઉત્તરમાં હાજરી ભારત માટે નિરાંત આપનારી છે, પરંતુ નેપાળ પછી બીજું મહત્વનું બફર સ્ટેટ ભૂતાન પણ ચીન તરફ ઢળવા ન લાગે એ જરૂરી છે. સેવન સિસ્ટર્સ રાજ્યોને ભારતના બાકીના હિસ્સાથી જોડતો સિલીગુડી શહેર પાસેનો ‘ચિકન નૅક’ તરીકે જાણીતો નાનકડો પટ્ટો ભૂતાનથી ઘણો નજીક છે. ખાસ્સી ચર્ચાયેલી ૨૦૧૭ની ડોકલામ અથડામણની ઘટનાના મૂળમાં એ હતું કે ચીની સેના ત્યાં રસ્તો બનાવતી હતી. ભૂતાનના પશ્ચિમમાં પડતાં ડોકલામનું ચિકન નૅકની ઓછું અંતર એને અગત્યનું બિંદુ બનાવે છે. ત્યાં ચીનીઓ ફાવી ન શકેલાં, પણ સેટેલાઇટ ઇમેજના આધારે એવો મજબૂત દાવો થતો રહે છે કે ભૂતાનના ઉત્તરમાં પાસામલુંગ અને જકારલુંગ ઘાટીઓમાં ચીન ઘણો પગપેસારો કરી બેઠું છે. આ ઓછું હોય એમ હવે ભૂતાનના પૂર્વમાં સક્તેંગ અભ્યારણ્યને પણ ચીન પોતાનું ગણાવી રહ્યું છે.
આજે દુનિયા આખી જાણે છે કે કોઈ પણ આધાર વિના પડોશીઓની જમીન ગળચવાની પાશવી વૃત્તિથી પીડાતું ચીન ગમે ત્યારે ગમે એ ક્ષેત્ર પર પોતાનો દાવો કરીને ઊભું રહી જાય છે. ડોકલામ જેવું મહત્વનું સ્થળ પચાવી પાડવા ચીન ભૂતાનને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકેનો દરજ્જો આપવાથી લઈને ગ્રાન્ટ અને ટ્રેડ ડિલના નામે પૈસાની લાલચ આપવાનો રસ્તો અપનાવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી તો ચીનની કોઈ ચાલાકી કામ કરતી દેખાઈ નથી. જોકે, સ્થિતિ પલટાઈ રહી હોય અને ભૂતાન હવે ડર, લાલચ કે અન્ય કોઈ કારણસર ચીન સામે ઝૂકી રહ્યું હોય કે ઝૂકવા વિચારી રહ્યું હોય એવો અંદેશો મળી રહ્યો છે. ચીન જેને હડપવા ચાહે છે, ભૂતાનના એ પાસામલુંગ અને જકારલુંગ ઘાટીઓનો ભૂભાગ સલામત રાખવાના બદલામાં જો ભૂતાન ડોકલામને ચીનના પંજા તળે દબાવા દેશે તો ભારત પર સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર જોખમ ઊભું થશે. થોડા દિવસ પહેલાં ભૂતાનના વિદેશમંત્રી ટાંડી દોરજીએ કરેલી ચીન યાત્રા પછી હવે, વિદેશનીતિની મહત્વની ચર્ચાઓમાં ભારતને વિશ્વાસમાં લેવાની કે ભારતનું માર્ગદર્શન મેળવવાની પરંપરા જાળવીને ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક આઠ દિવસની ભારતયાત્રા પર છે. ચીન કેવી રીતે દેવાની જાળમાં ફસાવીને નાના દેશોને પાંગળા કરી નાખે છે, એ આજે જીઑપૉલિટિક્સમાં રસ લેતાં લગભગ તમામ લોકો જાણે છે. ભૂતાનના રાજા અને ત્યાંની સરકાર પણ ચીનની દોસ્તીના જોખમથી સારી રીતે પરિચિત હશે. અત્યાર સુધી એમણે ચીનથી સલામત અંતર બનાવી રાખ્યું અને ભારત પર વિશ્વાસ મૂક્યો છે, એ નીતિ ચાલુ રાખશે તો ભૂતાન અને ભારત, બંનેને લાંબા ગાળે ફાયદો થશે.
ભારતના બીજા પડોશી દેશો પર નજર કરીએ તો, માલદીવ દ્વીપ સમુહ પર અત્યારે ભારત વિરોધી રાષ્ટ્રપતિ ચૂંટાઈને આવ્યા છે. બાંગ્લાદેશમાં ભારત તરફી ગણાતાં પ્રધાનમંત્રી શેખ હસીના સામે ખાસ્સા વિશાળ સ્તરે વિરોધ જાગી રહ્યો છે. અને હવે ભૂતાન પણ ચીનની દાદાગીરી સામે દબાઈ જાય તો ભારત પોતાના પડોશના કદમાં નાના રાષ્ટ્રો પરની પકડ ખોઈ રહ્યો છે એવો સંદેશો વિશ્વને મળે. અલબત્ત, ભારત પર અજ્ઞાત શત્રુઓના વધી રહેલા હુમલાઓના જ આ સંકેત હોય એવું પ્રથમ નજરે લાગે છે. કિન્તુ હમણાં જ ગ્લોબલ સાઉથના આગેવાન તરીકે ભારતને અન્ય દેશોએ માનથી જોવાનું શરૂ કર્યું છે ત્યારે પડોશી દેશોમાં જ ભારતદ્વેષી તત્ત્વો માથું ઊંચકી વધારે બળવાન ન થાય એ જરૂરી બને છે.
hardik.sparsh@gmail.com