- ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડુ
- દરિયાકાંઠા વિસ્તારને કરાયો એલર્ટ
- કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને કર્યાં છે સાબદા
અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડાને પગલે કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને સાબદા રહેવા તાકીદ કરી હતી. દરમિયાન આજે વાવાઝોડુ ગોવાના દરિયાકાંઠે ટકરાયું હતું. ગોવામાં વાવાઝોડાના પગલે ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. હવે આ વાવાઝોડજુ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. ગુજરાત સરકારે દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો નહીં ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચક્રવાતી વાવાઝોડુ ગુજરાતના વેરાવળ, પોરબંદર વચ્ચે માંગરોળના દરિયા કિનારે ટકરાશે. મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના દરિયા કિનારે ત્રણ દિવસ સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. વાવાઝોડા દરમિયાન 150થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં લોકોને સાબદા કરી દેવામાં આવ્યાં છે. તેમજ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. હાલની વાત કરીએ તો વાવાઝોડુ ગોવાના કિનારાના વિસ્તારોમાં ટકરાયું છે અને તેના કારણે ભારે નુકસાન થયું છે. ભારે પવન સાથે અહીં મૂશળધાર વરસાદ પણ થયો છે. જેના કારણે રસ્તા પર ઠેરઠેર ઝાડ પડી ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021નું પ્રથમ વાવાઝોડુ અરબી સમુદ્રમાં સર્જાયું છે. આ વાવાઝોડુ ગુજરાત તરફ આવી રહ્યું છે. જેથી ગુજરાત સરકારે રાહત બચાવની કામગીરી અંગે કામગીરી શરૂ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનો કર્યાં છે.