ગાંધીનગરઃ તાઉ- તે વવાઝોડાથી કૃષિ, બાગાયતી પાકમાં થયેલા નુકશાનની સાથે સાથે રાજ્યના ઈંટ ઉત્પાદકોને પણ આ વાવાઝોડાથી 250 કરોડ રૂપિયાનું વ્યાપક નુકશાન થયું છે. ત્યારે સરકાર દ્વારા ઈંટ ઉત્પાદકો ને થયેલા નુકશાન નું વળતર વીમા કવચથી વિશેષ પોલિસી થકી અપવામાં આવે તેવી માંગણી ઈંટ ઉત્પાદક ફેડરેશને સરકાર સમક્ષ કરી છે.
સમગ્ર ગુજરાતમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની આક્રમક અસરના કારણે રાજ્યના 2500 થી મોટા અને 25 હજારથી વધુ નાના ઈંટ ઉત્પાદકોને આ વાવાઝોડાથી અંદાજીત 250 કરોડથી વધુ નું વ્યાપક નુકશાન થયું હોવાનો દાવો ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરિંગ ફેડરેશન ના પ્રમુખ દેવેન્દ્ર ભાઈ પ્રજાપતિ એ કર્યો છે. આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કોરોનાની મહામારી ના કારણે ઈંટ ઉત્પાદન તેના સમય કરતાં મોડો શરૂ થયું હતું. જેના કારણે માત્ર 40 ટકા જેટલું જ ઈંટો નું ઉત્પાદન થઈ શક્યું છે. તો બીજી તરફ હોળી ધૂળેટીના તહેવાર બાદ આવેલા લોકડાઉન ના કારણે વતન ગયેલા શ્રમિકો પરત ફરી શક્યા નથી જેની સીધી અસર ઈંટ ઉત્પાદન ક્ષેત્ર માં વર્તાઈ હોવાની કેફિયત વર્ણવી હતી.
ઉપરાંત ફેડરેશન પ્રમુખે સરકાર ને રજૂઆત કરી છે કે લોકડાઉન ના કારણે ઈંટ ઉત્પાદનમાં પડી રહેલા કાચા માલ ઉપર તાઉ તે વવાઝોડાની સીધી અસર થતાં તૈયાર કરેલું રો મટીરીયલઅને કાચી ઈંટો પર વરસાદી પાણી પડવાથી નષ્ટ થઇ છે. જ્યારે ઈંટોના ભઠ્ઠામાં પાણી ભરાઈ જવાથી આ ઉદ્યોગ હાલ ઠપ્પ થઈ ગયો હોવાનું જણાવ્યું છે. ઉપરાંત તેમણે એવી રજુઆત કરી છે કે વાવાઝોડાની આ અસર થી રાજ્યના પ્રત્યેક ઈંટ ઉત્પાદકોને આર્થિક ફટકો પડયો છે.જેના કારણે નાના ઉત્પાદકો ને ભઠ્ઠા દિઠ અંદાજીત 4 થી 5 લાખ રૂપિયા અને મોટા ઉત્પાદકને 40 થી 50 લાખ જેટલી રકમનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આમ તાઉ તે વાવાઝોડા ના કારણે રાજ્યના નાના મોટા તમામ ઈંટ ઉત્પાદનમાં થયેલા નુકશાન માં 250 કરોડ રૂપિયા થી વધુ નું નુકસાન થયું હોવાનું સરકાર સમક્ષ રજૂઆત કરી છે.