અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી.
મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ રહેલી કામગીરીની તલસ્પર્શી વિગતો કલેકટરો પાસેથી મેળવી હતી. આ ત્રણેય જિલ્લાઓમાં કુલ મળીને 4.82 લાખ લોકોને રૂ. 25.61 કરોડની કેશડોલ્સ ચુકવવામાં આવી છે. રાજ્ય સરકારના નિયમો-ધોરણો અનુસાર આ કેશડોલ્સમાં પુખ્ત વયની વ્યક્તિ માટે રોજના રૂ. 100 અને સગીર-બાળક માટે રોજના રૂ. 60 પ્રમાણે 7 દિવસની કેશડોલ્સ ચુકવવામાં આવે છે.
તદઅનુસાર ગીર-સોમનાથમાં એક લાખથી વધારે વ્યક્તિઓનેરૂ. 5.8 કરોડ, ભાવનગર જિલ્લામાં 76289 લોકોને રૂ. 4.57 કરોડ તેમજ અમરેલી જિલ્લામાં 3 લાખથી વધારે રૂ. 15.24 કરોડ કેશડોલ્સ સંબંધિત જિલ્લા તંત્રવાહકોએ ચુકવીને કેશડોલ્સ ચુકવણીની 100 ટકા કામગીરી પૂરી કરી દીધી છે.
મુખ્યમંત્રીએ આ વાવાઝોડાને પરિણામે સંપૂર્ણ નાશ પામેલા કાચા-પાકા મકાનોને મકાન દીઠ રૂ. 95100 સહાય આપવાનો જે નિર્ણય કર્યો છે તે અનુસાર આ ત્રણેય જિલ્લામાં કુલ 1834 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે તેને 100 ટકા સહાય આપી દેવાઇ છે.
તાઉતે વાવાઝોડાને પરિણામે એવા કાચા-પાકા મકાનો જેને આંશિક નુકશાન થયું હોય, દિવાલ કે છત ધરાશાયી થઇ હોય તેવા 15 ટકાથી વધુ નુકશાન ધરાવતા મકાનોને રૂ. 25 હજારની સહાય આપવાનો અભિગમ મુખ્યમંત્રીએ દર્શાવેલો છે. ગીર સોમનાથ જિલ્લામાં 38427 મકાનો માટે રૂ. 95.50 કરોડ, ભાવનગરમાં 7950 મકાનો માટે રૂ. 12 કરોડ અને અમરેલીમાં 16914 મકાનો માટે 34.39 કરોડ રૂપિયાની સહાય જિલ્લા વહિવટીતંત્રોએ ચુકવણી આપી છે.