Site icon Revoi.in

તોક-તે વાવાઝોડા અને વરસાદને લીધે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયુ

Social Share

અમદાવાદ:  તાઉ-તે વાવાઝોડાએ મીઠા ઉદ્યોગને પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે.   વાવાઝોડાને લીધે પડેલા વરસાદને કારણે 30 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે. ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ અસોસિએશનના જણાવ્યા અનુસાર, લગભગ 15 લાખ ટન મીઠું વાવાઝોડા પહેલા ખસેડી શકાયું નહોતું, જેના કારણે મોટું નુકસાન થયું છે. બાકીના 15 લાખ ટન ઉત્પાદકીય નુકસાન થયું છે કારણકે અત્યારે મીઠાંના ઉત્પાદનની સીઝન ચાલી રહી છે.

સોલ્ટ મેન્યુફેક્ચર એસોના અધ્યક્ષ ભરત રાવલ જણાવ્યુ હતું  કે, સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં પાંચ ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો છે અને મીઠાંના ટેકરા પરથી માલને ખસેડી શકાયો નથી. જેના કારણે મોટું નુકસાન થયું છે. ઉપરથી આટલા ભારે વરસાદને કારણે મીઠાંના ઉત્પાદનની આખી સીઝન પ્રભાવિત થશે, કારણકે જમીનને સુકાતા વાર લાગશે. જમીન સુકાશે ત્યાં સુધીમાં કદાચ ચોમાસાની શરૂઆત થઈ જશે. અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભરુચ જિલ્લાના દરિયાકાંઠાઓ પર મીઠાંના ઉત્પાદનને મોટું નુકસાન થયું છે.

રાજ્યમાં મીઠાના ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતા મોરબી જિલ્લાના માલિયા તાલુકામાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. કેટલું નુકસાન થયું છે તે હજી સુધી જાણી નથી શકાયું કારણકે ભારે વરસાદને કારણે ત્યાં સુધી પહોંચવાના રસ્તા ઘણાં ખરાબ થઈ ગયા છે. પરંતુ ચોક્કસપણે મોટા પ્રમાણમાં મીઠાંના જથ્થાને નુકસાન થયું હશે. ઉલ્લેખનીય છે કે દેશનું લગભગ 75 ટકા મીઠું ગુજરાતમાં પકવવામાં આવે છે. મીઠાંના ઉત્પાદનની સીઝન સામાન્યપણે ઓક્ટોબરથી જૂનના બીજા અઠવાડિયા સુધી હોય છે. 2019-20માં ગુજરાતમાં 1.9 કરોડ ટન મીઠું પકવવામાં આવ્યુ હતું પરંતુ આ વર્ષે તેમાં 20 ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે. પરંતુ તૌકતેના કહેર પછી તેમાં વધુ 15 ટકા ઘટાડો થઈ શકે છે.