અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા પાદરા વચ્ચે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોનાં મોત થયા હતા. રિક્ષામાં સવાર એક પરિવારના 5 સભ્યને મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 બાળક અને પતિ-પત્નીનાં મોત થયાં છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, વડોદરા-પાદરા રોડ પર પૂરફાટ ઝડપે આવી રહેલી કાર અને રિક્ષા વચ્ચે ધડાકા સાથે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જેમાં ઘટનાસ્થળે 3 લોકોનાં મોત જ થયાં હતાં, જ્યારે 2નાં મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયાં હતા. તમામના મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. તમામ લોકો વડોદરાના પાદરાના લોલા તાલુકાના છે. હાલ આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ છે. આ અકસ્માતને કારણે રિક્ષાને ભારે નુકસાન થયું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર રિક્ષામાં સવારે લગ્નપ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ પરત ફરી રહ્યો હતો. જ્યારે કાર પાદરા તરફથી આવી રહી હતી. કાર અને રિક્ષા સામસામે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. તમામ મૃતકો પાદરાના લોલા ગામના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે રોડ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. મૃતકોનાં નામ અરવિંદ પૂનમ નાયક (28 વર્ષ), કાજલ અરવિંદ નાયક (25 વર્ષ), શિવાની અલ્પેશ નાયક (12 વર્ષ), અને ગણેશ અરવિંદ નાયક (5 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ કપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. બે દિવસ પહેલાં લુણાવાડા તાલુકાના ગડા ગામથી સાત તળાવ ગામે લગ્નની પાઘડી લઈને જતી વખતે ગોઝારી ઘટના બની હતી. ગડા ગામના પ્રતાપભાઈ તરાળની દીકરીના 23 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. એના માટે સામાજિક રિવાજ મુજબ, લગ્નના આગલા દિવસે કન્યા પક્ષના લોકો વરપક્ષે પાઘડી લઈને જતા હોય છે. ત્યારે ગડા ગામનાં ઉષાબેન પ્રતાપભાઈ તરાળના લગ્નની પાઘડી લઈને પરિવારજનો અને સગાંસંબંધીઓ સાત તળાવ ગામે જઈ રહ્યા હતા. એ સમયે અરીઠા ગામ પાસે સામેથી આવતી ટાટા ઇન્ડિકા કાર અને ટાટા 407 ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એમાં ઘટનાસ્થળે જ 5 અને સારવાર દરમિયાન 2 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં તેમજ 35 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલ સહિત અલગ અલગ હોસ્પિટલમાં ખસેડાયા હતા.