Site icon Revoi.in

લુણાવાડાના કાશિયા નાકા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં પતિ-પત્ની અને બે બાળકનાં મોત

Social Share

લૂણાવાડાઃ મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચાર કોશિયા નાકા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના પતિ-પત્ની બે બાળકો સહિત ચારનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. પતિ-પત્ની અને બંને બાળકનાં એકસાથે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ચારેયના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

આ અકસ્માતની એવી વિગતો જાણવા મળી છે કે, લુણાવાડાના ચાર કોશિયા પાસે ગત મોડી રાત્રે ટ્રકચાલકે બાઈક પર સવાર પતિ-પત્ની અને બે બાળકને અડફેટે લીધા હતા. બાઇક પર સવાર પરિવારના ચારેય સભ્યોનાં મોત નિપજ્યા હતા.. અકસ્માત થતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે પોલીસ પહોંચે એ પહેલાં ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ પોલીસે ટ્રકચાલકને ઝડપી લીધો હતો.

લૂણાવાડાના કોશિયા પાસે  સર્જાયેલા ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈકસવાર પતિ-પત્ની અને બે બાળકોના મોત નિપજતા લોકોમાં ટ્રકચાલક સામે આક્રોશ જોવા મળ્યો હતો, જેને પગલે નાયબ જિલ્લા પોલીસવડાએ SOG, LCB સહિત લુણાવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે ખડકી દીધો હતો અને પોલીસે ટોળાંને વિખેરીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે ચારેયના મૃતદેહોને કોટેજ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલા પરિવારના ચારેય સભ્યોના મૃતદેહોને કોટેજ હોસ્પિટલમાં મોકલ્યા હતા. તેમજ પરિવારને અડફેટે લેનારા ટ્રક નંબર HR 47 D7197 સહિત તેના ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.