દિલ્હીઃ કેરળમાં સંપતિની લાલચમાં પત્નીને ઝેરી સાપ કરડાવીને હત્યા કરનારા પતિને અદાલતે ગુનેગાર ઠરાવ્યો હતો. કોર્ટે આરોપી પતિને ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. કોર્ટે આ કેસને દર્લભથી અતિદુર્લભ શ્રેણીમાં આવતો હોવાનું પણ નોંધ્યું હતું. આ ઘટનામાં પોલીસે ડમી રેપ્ટાઈલનો ઉપયોગ કરીને અને ક્રાઈમ સીન રિક્રીએટ કરીને સફળતાપૂર્વક કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
કેસની હકીકત અનુસાર કેરળમાં એક મહિલાનું ભેદી સંજોગોમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાની પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પતિએ પત્નીની સંપતિ પચાવી પાડવાના ઈરાદે તેની હત્યા કરી હતી.
એટલું જ નહીં સાપના ડંખથી પત્નીની હત્યા કરવા માટે એક મદારી પાસેથી સાપ ખરીદ્યો હતો. આ જ સાપે ડંખ મારતા પરિણીતાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે મદારીને મહત્વનો સાક્ષી બનાવ્યો હતો.
આ કેસની સુનાવણી સ્થાનિક કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે આકરી સજા માટે રજૂઆત કરી હતી. જ્યારે બચાવપક્ષના વકીલે ઓછી સજા માટે રજૂઆત કરી હતી. કોર્ટે સુનાવણીના અંતે હત્યારા પતિ સુરજ એસ કુમારને ગુનેગાર ઠરાવીને સજા ફરમાવી હતી.
એડિશનલ સેશન જજ વીઆઈ મનોજે સજાની જાહેરાત કરતા કહ્યું હતું કે, આ ઘટના દુર્લભથી અતિદુર્લભ શ્રેણીમાં આવે છે પરંતુ 28 વર્ષની ઉંમરને ધ્યાનમાં રાખીને મોતની સજાને બદલે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે 5.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
દેશની આ પહેલી ઘટના છે કે, જ્યાં કોઈક વ્યક્તિની સાપનો ઉપયોગ કરીને હત્યા કરવામાં આવી હોય અને દોષી ઠેરાવ્યો હોય. આ ઘટનામાં પોલીસે ડમી રેપ્ટાઈલનો ઉપયોગ કરીને અને ક્રાઈમ સીન રિક્રીએટ કરીને સફળતાપૂર્વક કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.