Site icon Revoi.in

પતિ, પત્ની અને વોઃ રણચંડી બનેલી પત્નીએ પતિની પ્રેમીકાને માર મારી માથાના વાળ કાપી ભણાવ્યો પાઠ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ‘પતિ, પત્ની અને વો’ની ઘટના સામે આવી હતી. પતિને પ્રેમિકા સાથે ઝડપી લઈને પત્નીએ પ્રેમીકાને મેથીપાક ચખાડ્યો હતો. પત્નીનું રૂદ્ર સ્વરૂપ જોઈને પતિ સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો. બીજી તરફ રણચંડી બનેલી પત્નીએ પ્રેમિકાની જાહેરમાં ધુલાઈ કર્યાં બાદ તેના માથાના વાળ કાપીને સજા પણ આપી હતી. ‘પતિ, પત્ની અને વો’નો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સોશિયલ મીડિયામાં એક યુવતીને અન્ય મહિલા માર મારતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સુરતના પલસાણામાં આવેલા એક ગામનો હોવાનું મનાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, પતિને અન્ય સ્ત્રી સાથે આડોસંબંધ હોવાની પત્નીને શંકા હતી. દરમિયાન પતિ તેની પ્રેમિકાને મળવા ગયો હતો. બીજી તરફ શંકાના આધારે પત્નીએ પણ પતિનો પીછો કર્યો હતો અને ગામમાં આવેલા સોની પાર્કમાં બંનેને સાથે પકડી લીધા હતા. પતિના કારનામા સામે આવતા પત્નીએ પ્રેમિકાને માર માર્યો હતો. પત્નીનું આ સ્વરૂપ જોઈને ડરી ગયેલો પતિ ફરાર થઈ ગયો હતો. જો કે, પરિણીતાએ પ્રેમિકાને સરાજાહેર માર માર્યાં બાદ તેને સબક શીખવાડવા માટે માથાના વાળ કાપી નાખ્યાં હતા.

જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.