હૈદરાબાદઃ એક વાહન ચાલકે 7 વર્ષમાં એક-બે નહીં પરંતુ 117 વાર ટ્રાફિકના નિયમોનો કર્યો ભંગ
મુંબઈઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને પકડીને ટ્રાફિક પોલીસ તેમની પાસેથી દંડ વસુલે છે. દરમિયાન હૈદરાબાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે એક વાહન ચાલકને પકડ્યો છે તેને અત્યાર સુધીમાં 117 વખત ચલણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં તે દર વખતે પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતો હતો. જો કે, આ વાહન ચાલકે સાત વર્ષ સુધી એક ચલણનો દંડ નથી ભર્યો. પોલીસે તેનું ટુ-વ્હીલર જપ્ત કરીને પેન્ડિંગ ચલણનો દંડ ભર્યા બાદ વાહન આપવાનું કહ્યું હતું. વાહન ચાલકનું નામ ફરીદ ખાન હોવાનું જાણવા મળે છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફરીદ ખાન નામની વ્યક્તિને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કુલ 30 હજારનું ચલણ અપવામાં આવ્યું હતું. પોલીસે તેનું સ્કુટર જપ્ત કરીને નોટિસ આપી હતી. તેમજ જો તેણે વાહન પરત લેવું હોય તો દંડની રકમ ભરપાઈ કરવી પડશે. ઈ-ચલન વેબસાઈટ અનુસાર, 2014થી ઈસ્યુ કરવામાં આવ્યાં છે. મોટાભાગના ચલણો હેલ્મેટ વિના અથવા ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત,કેટલાક ચલણ વાહન ચલાવતી વખતે જાહેર સ્થળોએ ચહેરા પર માસ્ક ન પહેરવા સંબંધિત પણ હતા. કેટલાક દંડ રોંગ સાઇડ પર ડ્રાઇવિંગ સાથે સંબંધિત છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું કે તેના રજીસ્ટ્રેશનની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેના વાહન પર રૂ. 29,720ના 117 ચલણ કાપવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા તેની પાસેથી ચલણનો દંડ વસુલવાની કવાયત શરૂ કરી છે.