હૈદરાબાદઃ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા 11 શ્રમજીવીઓ થયાં ભડથું
બેંગ્લોરઃ હૈદરાબાદના ભાઈગુંડામાં ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 11 શ્રમજીવીઓ ભડથું થઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળેથી 11 શ્રમજીવીઓના મૃતદેહ બહાર કાઢ્યાં હતા.
મુશીરાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગની ઘટના લગભગ સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. સિંકદરાબાદ રેલવે સ્ટેશન નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આઈડીએસ કોલોનીમાં ભંગારનું ગોડાઉનના ઉપરના માળે લગભગ 13 શ્રમજીવીઓ સૂઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સરકીટથી આગ લાગ્યાનું સામે આવ્યું છે. જો કે, આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવી છે.
ગોડાઉનમાં અચાનક આગ લાગતા ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રેગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, લગભગ 11 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. તમામ મૃતદેહ એકદમ બળી ગયા હોવાથી ઓળખ મેળવવી પણ મુશ્કેલ બની છે. જ્યારે એક વ્યક્તિ દાઝી જતા તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. પશુપાલન રાજ્ય મંત્રી તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ તેમણે સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને મદદ કરવાની ખાતરી આપી હતી. પોલીસે આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.