મુંબઈઃ મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો બેફામ બન્યાં હોય તેમ ચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન મધ્યપ્રદેશના ભીંડમાં પોલીસ અધિકારીના મકાનમાં ચોરી કરી થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, ચોરે મકાન માલિકના નામે એક ચિઠ્ઠી મુકી હતી. તેમાં લખ્યું હતું કે, મિત્રનો જીવ બચાવવા માટે ચોરી કરી રહ્યો છે તમામ રકમ પરત કરી દેવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાક કોતવાલી પોલીસ સ્ટેશનના સહાયક ઉપ નિરીક્ષક કમલેશ કટારેએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં નોકરી કરનારા પોલીસ કોન્ટેબસના મકાનમાં ચોરીની ઘટના બની હતી. કોન્સ્ટેબલનો પરિવાર ભીંડ શહેરમાં રહે છે. પરંતુ ચોરીનો બનાવ બન્યો ત્યારે ઘરે કોઈ ઉપસ્થિત ન હતું. પોલીસ કોન્સ્ટેબલની પત્ની બાળકોને લઈને પીયર ગઈ હતી. ચોરે મકાનમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કર્યાં બાદ એક ચિઠ્ઠી મુકી હતી.
ચોરે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, સોરી દોસ્ત, મજબૂરી છે, હું આવુ નહીં કરતો તો મારા મિત્રનો જીવ જતો રહેતો, ટેન્શન ના લેતા જેવા પૈસાની વ્યવસ્થા થશે તેવા તમારે ઘરે પહોંચતા કરી દઈશ. આપ પૈસાની બિલકુલ ચિંતા ના કરતા. પત્રના આંતમાં ચોરે ધૂમ-3 લખીને પોતાનો સારો વ્યક્તિ ગણાવ્યો હતો. ચોરનો આ પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ તેની ઉપર લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલની પત્ની ઘરે આવી ત્યારે મકાનના દરવાજાના તાળા તુટેલા હતા. તેમજ ઘરમાં તમામ વસ્તુઓ વેર-વિખેર પડી હતી. ચોરે સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ ઘટનામાં પરિવારના જ કોઈ વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે. બીજી તરફ ચોરના પત્રને પગલે પીડિત પરિવારને પૈસા પાછા આવવાની ઉમ્મીદ હોવાનું જાણવા મળે છે.