Site icon Revoi.in

ગુજરાત બહાર જવામાં મને રસ નથી, 2022 ચૂંટણી મહેસાણાથી જ લડવાનો છુઃ નીતિન પટેલ

Social Share

ગાંધીનગર: ગુજરાતમાં વિજય રૂપાણી સરકારની વિદાય બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળનું ગઠન થઈ ગયું છે. રૂપાણી મંત્રી મંડળના જુના જોગીઓને સાગમટે વિદાય કરવામાં આવ્યા છે.જેમાં નીતિન પટેલ જેવા સક્ષમ નેતાને પણ ઘેર બેસવાનો વારો આવ્યો છે. ત્યારે નીતિન પટેલે ગુજરાત બહાર જવાની ઘસીને ના પાડી દીધી છે. એટલે તેમને રાજ્યપાલ બનાવાશે એવી જે અટકળો ચાલતી હતી તેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે. તેમણે 2022ની ચૂંટણી મહેસાણાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,  મે મારો નિર્ણય ભાજપના હાઈકમાન્ડને  જણાવી દીધો છે, હું ગુજરાત બહાર જવા સહમત નથી.  હું મહેસાણાનો ધારાસભ્ય છું, 2022ની ચૂંટણી પણ ત્યાંથી લડીશ, તેમજ’નો રીપીટ થીયરી’  તે ખૂબ મોટો નિર્ણય છે, આગામી ગુજરાતના નિર્માણની વાત છે,  નવા મુખ્યમંત્રી મારા સમાજના છે, મારા મિત્ર છે. ક્યાં ધારાસભ્યોને ક્યાં વિભાગની જવાબદારી સોંપવી તે બાબતે મારી સાથે કોઈ ચર્ચા નથી કરી, તેમજ પ્રજા વચ્ચે જઈ કામ કરીશ. પ્રજાના દિલમાં છું ત્યાં સુધી મને કોઈ હોદ્દા કે સત્તાની પરવા નથી. જો પક્ષ કોઈ જવાબદારી સોંપશે તો એ નિભાવીશ. મેં કેશુભાઈથી લઈને વિજય રૂપાણી સુધીની ચાર સરકારમાં કામ કર્યું છે. 25 વર્ષથી ધારાસભ્ય છું,  અને 18 વર્ષ કરતા વધુ સમય મંત્રી રહ્યો છું. એટલે હું હજુ પણ મહેસાણાનો જ ધારસભ્ય રહીશ. 2022ની ચૂંટણી ત્યાથી જ લડીશ. મંત્રી નથી તો શું થયું, પણ પક્ષના મેમ્બર અને ધારાસભ્ય તરીકે કામ કરતો જ રહીશ. હું પ્રજાના દિલમાં છું, ત્યાં સુધી મને કોઈ ચિંતા નથી. નો રિપિટ થિયરી સફળ થશે કે કેમ એ અત્યારથી કહી ન શકાય એમ પણ કહીને તેમણે મોવડી મંડળ સામે પોતાનો મત મક્કમતાથી રાખ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 2.17 લાખ કરોડનું બજેટ, ગુજરાત સરકારનો તોસ્તાન વહિવટ, સરકારની દૈનિક કામગીરી વગેરે માટે અનુભવ જોઈએ જ. તેમણે કહ્યું હતું કે નવી ટીમ પાસે સમય ઓછો છે. જો ઝડપથી શીખીને કામ કરશે તો ચોક્કસ સફળ થશે. તેમણે ઉમેર્યું હતુ કે નવા મંત્રીમંડળના સભ્યો વહેલી તકે કામ કરી પ્રજાલક્ષી વાતાવરણ ઉભું કરે એ જરૂરી છે. કેમ કે ચૂંટણીને લાંબો સમય નથી. ઉનાળામાં પાણીની અછત, સિંચાઈના પ્રશ્નો, ચૂંટણી વખતે નવી નવી માંગણી પણ આવશે. એ બધા પ્રશ્નો ઉકેલવાના છે. તેમણે કહ્યું હતું કે આવી કામગીરીમાં અમારો બધાનો સહયોગ છે જ. મોવડી મંડળના માર્ગદર્શનમાં આ બધા પડકારો પાર પડાશે એવો મને વિશ્વાસ છે.