હું ભારતીય ટીમ સાથે છું અને ટીમને પ્રોત્સાહિત કરતો રહીશઃ હાર્દિક પંડ્યા
નવી દિલ્હીઃ ભારતમાં હાલ ICC વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, આ ટુર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધીની તમામ મેચમાં જીત મેળવી છે, આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે. દરમિયાન ભારતીય ટીમને ફટકો પડ્યો છે. ઈજાને કારણે ટીમમાંથી દુર થયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર થયો છે. દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં વિશ્વકપમાંથી બહાર થવા અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, તેઓ ટીમ સાથે રહેશે અને ટીમને પ્રોત્સાહિત કરતા રહેશે. ભારત હાલ લીગ રાઉન્ડમાં અન્ય મેચ રમશે. ભારતીય ટીમે સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, આ સત્યને પચાવવો મુશ્કેલ છે, હું વિશ્વ કપની બાકી મેચમાં ભારતીય ટીમમાં રમી શકીશ નહીં. જો કે, હું પુરી ભાવના સાથે ટીમ સાથે રહીશ અને દરેક મેચ અને દરેકે-દરેકે બોલ ઉપર ટીમનો ઉત્સાહ વધારીશ. તમામની શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થનને લઈને આભારી છું. મને વિશ્વાસ છે કે, આ ટીમ ભારતીયોનું ગૌરવ વધારશે. તમામ ભારતીયોનો પ્રેમ ખેલાડીઓ સાથે છે.
આઈસીસી વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ ટીમ મેનેજમેન્ટ દ્વારા હાર્દિક પટેલને આરામ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં હાર્દિક પંડ્યા ઝડપથી સાજો થઈને વર્લ્ડકપની ટૂનામેન્ટમાં ભારતીય ટીમને જોઈન્ટ કરશે તેવી કરોડો ભારતીયોને આશા હતી. જો કે, આજે ઈજાને કારણે હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર થયો હતો. જેથી કરોડો ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયાં હતા.