જામનગરઃ જિલ્લાની સાયબર ક્રાઈમ પોલીસે લાખો રૂપિયાના ઠગાઈના ગુનાના માસ્ટરમાઈન્ડને સુરતથી ઝડપી પાડ્યા બાદ તેને છોડી મૂકવા માટે એસપીને ખોટી ઓળખ આપી ફોન કરનારા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. નિકુંજ પટેલના નામના વ્યક્તિએ ખોટી ઓળખ આપી જામનગર એસપીના નંબર પર ફોન કરી કહ્યું હતું કે, ‘હું મુખ્યમંત્રી કાર્યાલય પરથી નિકુંજ પટેલ બોલું છું, તમે જે આમીર અસલમને પકડ્યો છે તેને તાત્કાલિક છોડી દેવા મારી ભલામણ છે’. નિકુંજે આ રીતે ખોટી ઓળખ આપી ફોન શા માટે કર્યો તે અંગે જાણકારી મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ CMO કાર્યાલયના નકલી અધિકારીની ઓળખ આપી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીને છોડી દેવા મામલે ફોન કરનાર ઠગ શખ્સને જામનગર પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. જામનગર જિલ્લામાં નોંધાયેલા સાયબર ક્રાઈમના ગુનામાં પોલીસે માસ્ટમમાઈન્ડ આમીર અસલમ ગરાણાને સુરતથી ઝડપી પાડ્યો હતો. આ આરોપીને છોડાવવા માટે જ નિકુંજ પટેલ નામના વ્યકિતએ જામનગર એસપીના નંબર ફોન કરી ખોટી ઓળખ આપી હતી. જામનગર એસપી મિટિંગમાં હતા ત્યારે તેનો મોબાઈલ ફોન સ્ટાફને રિસિવ કરવા માટે આપ્યો હતો. આ સમયે જ તેમના નંબર પર વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ પોતાની ઓળખ નિકુંજ પટેલ તરીકે આપતા કહ્યું હતું કે, ‘ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલયથી સરકારી અધિકારી નિકુંજ પટેલ બોલું છું. તમે જામનગર પોલીસે આમીર અસલમ ગરાણા નામના વ્યક્તિને પકડેલ છે. તેઓને તાત્કાલિક છોડી દેવા માટે મારી અગંત ભલામણ છે. તો ધ્યાનથી સાંભળો તેઓને તાત્કાલિક છોડાવવાની વ્યવસ્થા કરો’ સીએમ કાર્યાલયમાંથી જામનગર એસપીના નંબર પર ફોન આવતા આ બાબતે ખરાઈ કરવા સીએમ કાર્યાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, નિકુંજ પટેલ નામનો કોઈ અધિકારી અહીં કામ જ નથી કરતો. આ ચોંકાવનારી વિગત મળ્યા બાદ જામનગર પોલીસે ફોન કરનારા નિકુંજ પટેલની શોધખોળ હાથ ધરી હતી અને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પોતે સરકારી અધિકારી ના હોવા છતાં નિકુંજ પટેલે સરકારી ઓફીસર હોય તેવી ખોટી ઓળખ આપી સરકારી ઓફીસર તરીકેનુ નામ ધારણ કરી સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલ આમીર અસલમ ગરાણાને તાત્કાલીક છોડી દેવા માટે જણાવતા એલસીબીએ તત્કાલ અસરથી અમદાવાદથી ખાતેથી નિકુંજ પટેલને ઉપાડી લઇ અને સીટી એ ડીવીઝન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સ અગાઉ કોઈ ગુન્હાઓમાં ઝડપાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ તજવીજ એલસીબી ચલાવી રહી છે.