ચુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજસ્થાનના ચુરુમાં ચૂંટણી રેલી કરી છે. પીએમ મોદીએ ત્રીજા કાર્યકાળ માટે જનતા પાસે મોકો માંગતા પોતાની સરકારોના કામકાજ ગણાવ્યા હતા. પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે અત્યાર સુધી તેમણે કામ કર્યું છે, તે માત્ર ટ્રેલર છે. તેમણે આને ભોજનની થાળી પહેલા પિરસવામાં આવતા એપિટાઈઝર જેવું ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રિપલ તલાકની પ્રથાને સમાપ્ત કરવાના પગલાને ટાંકીને કહ્યુ કે તેમણે દરેક મુસ્લિમ પરિવારની સુરક્ષા કરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે જે અત્યાર સુધી થયું છે, તે ટ્રેલર છે. આજકાલ મોટી હોટલમમાં ભોજન પહેલા એપિટાઈઝર લઈને આવવામાં આવે છે. ક્યારેક લાગે છે કે યાર પેટ ભરીને ભોજન શું ખાઈશું. મોદીએ જે કર્યું છે તે એપેટાઈઝર છે હજી તો આખી થાળી આવવાની બાકી છે. આપણે દેશને ઘણો આગળ લઈને જવાનો છે. પીએમ મોદીએ યાદ કર્યું કે કેવી રીતે તેમણે બાલાકોટ સ્ટ્રાઈક બાદ ચુરુની ધરતીથી જ કહ્યુ હતુ કે દેશને થંભવા અને ઝુકવા નહીં દે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવામાં આવ્યા હતા. પીએમએ કહ્યુ કે નવું ભારત દેશમાં ઘૂસીને મારે છે.
પીએમ મોદીએ રેલીમાં કલમ-370ને સમાપ્ત કરવાથી લઈને ટ્રિપલ તલાક પર રોક સુધીના કામકાજનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટ્રિપલ તલાકને કારણે મુસ્લિમ પરિવારોમાં થનારી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે ટ્રિપલ તલાક પર કાયદો આપણી મુસ્લિમ બહેનોને મદદ કરી રહ્યો છે. મારી મુસ્લિમ માતાઓબહેનો સમજે ટ્રિપલ તલાક તમારા જીવન પર ખતરો હતું જ. મારી મુસ્લિમ દિકરીઓના માથા પર તલવાર લટકતી હતી, મોદીએ તમારી રક્ષા તો કરી જ છે, મોદીએ દરેક મુસ્લિમ પરિવારની પણ રક્ષા કરી છે.
પીએમ મોદીએ કહ્યુ છે કેમુસ્લિમ પરિવારના તે પિતા વિચારતા હતા કે પુત્રીને લગ્ન કરીને મોકલી તો છે, બે-ત્રણ બાળકો થઈ જશે. તેના પછી તે ટ્રિપલ તલાક કરીને મોકલી દેશે તો હું પુત્રીને કેવી રીતે સંભાળીશ. ભાઈને લાગતું હતું કે ટ્રિપલ તલાકને કાણે બહેન પાછી આવશે, તો પરિવાર કેવી રીતે ચાલશે. માતાને લાગતું હતું કે જો પુત્રીને પાછી મોકલવામાં આવશે, તો તેની જિંદગીનું શું થશે. આખો પરિવાર ટ્રિપલ તલાકના નામ પર લટકતી તલવાર નીચે જીવન ગુજારતો હતો. મોદીએ માત્ર મુસ્લિમ બહેનોને નહીં, મુસ્લિમ પરિવારોની જિંદગીને બચાવી છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર તુષ્ટિકરણનો પણ આરોપ લગાવ્યો છે અને કહ્યુ છે કે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને ભગવાન રામને કાલ્પનિક ગણાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે કેટલાક દિવસ પહેલા અયોધ્યામાં રામમંદિરના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠનો આખા દેશે ઉત્સવ માનવ્યો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી ખુલ્લેઆમ આપણી આસ્થાનું અપમાન કરી રહી હતી. તેમણે કહ્યુ કે કોંગ્રેસના તમામ એકમોને કહેવામાં આવ્યું કે અયોધ્યાની ચર્ચા થાય, તો મોંઢા પર તાળા લગાવી લેવા. તેમને લાગવા માંડયું છે કે રામનું નામ લીધું, તો ખબર નહીં ક્યારે રામ-રામ થઈ જાય.